નવી દિલ્હીઃ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગવાસ્કરે વર્લ્ડકપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે જાળવી રાખવાના નિર્ણય પર સવાલ ઉભા કર્યા છે. ગવાસ્કરનું માનવું છે કે કોહલીને ફરીવાર કેપ્ટનશીપ સોંપતા અગાઉ સતાવાર બેઠક થવી જોઇતી હતી. ગવાસ્કરે કહ્યું કે, જો પસંદગીકર્તા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે કેપ્ટનની પસંદગી કોઇ પણ પ્રકારની બેઠક વિના કરી લીધી હોય તો સવાલ થાય છે કે શું કોહલી પોતાના દમ પર ટીમનો કેપ્ટન છે અથવા તો પસંદગી સમિતિનું ખુશીનું કારણ છે.


ગવાસ્કરે કહ્યું કે, અમારી જાણકારી અનુસાર, કોહલીની નિમણૂક વર્લ્ડકપ સુધી જ હતી. ત્યારબાદ પસંદગીકર્તા આ મામલે બેઠક બોલાવવી જોઇએ. એ અલગ વાત છે કે આ મિટિંગ પાંચ મિનિટ સુધી ચાલી હોત પરંતુ તે અલગ વાત છે. નોંધનીય છે કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે કોહલીને ત્રણેય ફોર્મેટ માટે કેપ્ટન બનાવાયો છે. આ સીરિઝની શરૂઆત ફ્લોરિડામાં ટી-20 મેચથી થશે.

સીઓએએ સ્પષ્ટ કર્યું છે કે તે વર્લ્ડકપમાં ટીમના પ્રદર્શન પર રિવ્યૂ બેઠક કરશે નહી પરંતુ તે વર્લ્ડકપમાં ટીમના પ્રદર્શનને લઇને ટીમ મેનેજરના રિપોર્ટ પર વિચાર કરશે. ગવાસ્કરે કહ્યું કે, પસંદગી સમિતિમાં બેસેલા લોકો કઠપૂતળી છે. કોહલીને બેઠકમાં ટીમને લઇને પોતાના વિચારો રાખવા માટે બોલાવવામાં આવ્યા હતા.