નવી દિલ્હીઃ 167 બોલ, 55 ચોગ્ગા, 52 છગ્ગા અને રન બનાવ્યા 585. આ સ્કોર કોઈ ટીમનો નથી પરંતુ એક સ્કૂલ બોયે આ ધમાકેદાર ઇનિંગ રમી છે. બેટ્સમેનનું નામ છે સ્વસ્તિક ચિકારા. તેણે આ ઇનિંગ માહી ક્રિકેટ એકેડમી તરફથી ગોરખફુરની એસીઈ ક્રિકેટ એકેડમી વિરૂદ્ધ રમી છે. તેની વિસ્ફોટક બેટિંગને કારણે માહી ક્રિકેટ એકેડમીએ શહીદ રામ પ્રસાદ બિસ્મિલ સ્મૃતિ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગોરખપુરની એસીઈ ક્રિકેટ એકેડમીને 355 રને હરાવી હતી.


ગાઝિયાબાદના દિવાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શુક્રવારે રમાયેલ મેચ એસીઇએ ક્રિકેટ એકેડમીએ ટોસ જીતીને માહી એકેડમીને બેટિંગનું આમંત્રણ આપ્યું. ત્યારબાદ તો સ્વસ્તિક છવાઇ ગયો. તેમણે પ્રીતની સાથે પહેલાં વિકેટ માટે 527 રનની ભાગીદારી કરી. તેમાં પ્રીતના 48 રન હતા, જ્યારે સ્વસ્તિકે 167 બોલ પર 585 રન ઝૂડી નાંખ્યા હતા.

આ શાનદાર ઇનિંગમાં સ્વસ્તિકે 55 ચોગ્ગા અને 52 સિક્સર ફટકારી. ટીમે તેમની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી 38.2 ઓવરમાં 704 રનનો વિશાળ રનનો ઢગલો કર્યો.  એસીઇના બોલર્સ સોનુ એ 77 રન પર 4 વિકેટ લીધી. ટાર્ગેટ માટે ઉતરેલી એસીઇ ક્રિકેટ એકેડમી દ્વારા નક્કી કરેલા 40 ઓવરમાં 7 વિકેટ પર 349 રન બનાવ્યા. વિશાલે 104 રનની સદી ફટકારી હતી. સેફ અલી 76 રન બનાવીને નોટ આઉટ રહ્યો. સ્વસ્તિક, પ્રિન્સ, અને કરૂણા એ 2-2 વિકેટ લીધી.

સ્વસ્તિકનો અત્યારે સર્વોચ્ચ સ્કોર 356 રન હતો. તે 22 બેવડી અને 7 ત્રેવડી સદી ફટકારી ચૂકયો છે. શુક્રવારના રોજ તેણે પહેલા બોલે જ સિક્સર ફટકારી હતી.