T20 World Cup 2nd Semis: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે બીજી ટીમ માટે આજે જંગ જામશે, એકબાજુ ટી20 વર્લ્ડકપમાં અજેય રહેલી પાકિસ્તાનની ટીમ છે, તો બીજી બાજુ ફૂલ ફોર્મમાં આવી ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ છે. બન્ને ટીમો મજબૂત છે. પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ફાઇનલમાં કોણ પ્રવેશી શકશે. 


આજે સાંજે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી સેમિ ફાઇનલમાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો છે. આ મોટી મેચ પહેલા પાકિસ્તાન ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના બે મોટા ખેલાડીઓ મોહમ્મદ રિઝવાન અને શોએબ મલિકને તાવ છે.


તાવને કારણે બંને ખેલાડીઓએ બુધવારે સાંજે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. રિઝવાન અને મલિકે બુધવારે સવારે ટીમ મેનેજમેન્ટને જણાવ્યું હતું કે તેમને હળવો તાવ છે. આ પછી બંનેને પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન લેવા માટે કહેવામાં આવ્યું હતું. બંને ખેલાડીઓને ટીમની બહાર રાખવામાં આવ્યા હતા. રિઝવાન અને મલિકનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.


ભારતમાં આ ચેનલો પર જોઇ શકો છો ટી20 વર્લ્ડકપની લાઇવ ટેલિકાસ્ટ- 
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast)ના અધિકાર સ્ટાર નેટવર્ક (Star Network)ની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ (Indian Subcontinent) શ્રીલંકા (Sri Lanka), ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh) અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1 (Star Sports 1), સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી (Star Sports 1 HD), સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી (Star Sports 1 Hindi), સ્ટાર સ્પૉર્ટ્સ 2 (Star Sports 2), સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી (Star Sports 2 HD) અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી (Star Sports 2 Hindi)ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર (Disney Hotstar) એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 


ટૂર્નામેન્ટમાં શોએબની સ્ટ્રાઈક રેટ 187 છે
શોએબ મલિક મિડલ ઓર્ડરમાં ટીમની જરૂરિયાત મુજબ રન બનાવી રહ્યો છે. તેણે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. શોએબે સ્કોટલેન્ડ સામે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. ટી-20માં પાકિસ્તાન તરફથી તેની ફિફ્ટી સૌથી ઝડપી ફિફ્ટી હતી. આ વર્લ્ડ કપમાં શોએબની સ્ટ્રાઈક રેટ 187 રહી છે. આવી સ્થિતિમાં બંનેનું સારું હોવું ખૂબ જ જરૂરી છે. જો બંને મેચમાંથી બહાર રહેશે તો પાકિસ્તાન માટે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંનેમાં ખલેલ પડશે.