નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં આજે ભારત માટે મહત્વની મેચ છે, પરંતુ ભારતીય ટીમની મેચ નથી, આજે ટી20 વર્લ્ડકપની ગૃપ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમ સામે ટકરાશે. આ મેચ ભલે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાવવાની હોય પરંતુ ટીમ ઇન્ડિયા માટે આ મેચ વધુ મહત્વની અને સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ખુબ મહત્વની છે.
આજે સુપર 12માં ગૃપ 2ની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બપોરે 3.30 વાગે શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ એક સાથે ત્રણ ત્રણ ટીમો માટે મહત્વની છે, કેમ કે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે આજની મેચમાં અફઘાનિસ્તાનને જીતની જરૂર છે, અને ન્યૂઝીલેન્ડને પણ જીતની જરૂર છે, જો ન્યૂઝીલેન્ડ જીતી જશે તે તે પાકિસ્તાનની સાથે સાથે સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે, પણ જો ન્યૂઝીલેન્ડ હારી જશે તો ભારત અને અફઘાનિસ્તાનની આશા જીવંત થઇ જશે. એટલે આજની મેચ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે.
જાણો હવે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં કઈ રીતે પહોંચી શકશે--
સેમી ફાઇનલમાં પહોંચવા માટેનું સમીકરણ:
પાકિસ્તાનની ટીમ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં બીજા સ્થાન માટે પ્રબળ દાવેદાર છે. જો કે ભારતીય ટીમનો રન રેટ હવે વધીને +1.62 થઈ ગયો છે જે અફઘાનિસ્તાન (+1.481) અને ન્યુઝીલેન્ડ (+1.277) બંને કરતા વધારે છે, પરંતુ પોઈન્ટની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા હજુ પણ ન્યુઝીલેન્ડથી પાછળ છે.
જો ભારત હવે સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે અને તે પછી ટીમ ઈન્ડિયા નામીબિયા સામેની તેની છેલ્લી ગ્રુપ મેચ પણ મોટા અંતરથી જીતશે. આ સ્થિતિમાં ભારત-ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને છ પોઈન્ટ મળશે અને ત્યારબાદ રન રેટના આધારે બીજા સેમીફાઈનલની પસંદગી કરવામાં આવશે.
મેચ સ્થિતિ:
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છ મેચમાં પ્રથમ વખત ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સ્કોટલેન્ડને 17.4 ઓવરમાં 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી સૌથી સફળ બોલર હતા, બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કેએલ રાહુલ અને રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગ્સના દમ પર માત્ર 39 બોલમાં મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે રાહુલે 19 બોલમાં 50 રન અને રોહિત શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા.