લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યૂસુફે સચિન તેંડુલકરના સમયે ભારતીય બેટિંગ ઓર્ડર સૌથી મજબૂત હોવાનું જણાવ્યું હતું. ખુદ દિગ્ગજ બેટ્સમેન રહેલો યૂસુફ તેંડુલકરને બ્રાયન લારા અને રિકી પોન્ટિંગ જેવા બેટ્સમેનોથી શ્રેષ્ઠ અને પોતાના સમયનો સૌથી સંપૂર્ણ બેટ્સમેન માને છે.

તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, વિરાટ કોહલી,રોહિત શર્મા, કેએલ રાહુલ તમામ ઉચ્ચ કોટીના બેટ્સમેન છે પરંતુ જો હું તુલના કરુંતો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીનો બેટિંગ ક્રમ શ્રેષ્ઠ હતો. આજકાલ બોલિગનું સ્તર એટલું સારું નથી, ક્રિકેટ ઘણું બદલાઈ ગયું છે અને તમામ ચીજો અલગ છે.



તેંડુલકરની બેટિંગને લઈ યૂસુફે કહ્યું, જ્યારે હું પાકિસ્તાન તરફથી રમતો હતો તે સમયે બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, મેથ્યૂ હેડન, જેક કાલીસ જેવા દિગ્ગજ બેટ્સમેનો હતા. પરંતુ મારું હંમેશાથી માનવું છે કે તેંડુલકર દરેક રીતે સૌથી સંપૂર્ણ બેટ્સમેન છે. પાકિસ્તાન તરફથી 90 ટેસ્ટ, 288 વન ડે રમી ચૂકેલા યૂસુફે કહ્યું, મને રોહિત શર્માનો રમતો જોવો ગમે છે. પરંતુ કોહલી વધારે ગંભીર, પ્રતિબદ્ધ અને આકરી મહેનત કરનારો છે.



યૂસુફે કહ્યું, બાબર આઝમ અને કોહલીની તુલના કરવી અયોગ્ય છે. કારણકે વર્તમાન ભારતીય કેપ્ટન ઘણો અનુભવી છે અને તેને અનેક દેશોમાં રમવાનો અનુભવ છે.