નાગપુર: વિરાટ કોહલીએ બીજી વન-ડેમાં 120 બોલમાં 116 રન બનાવી પોતાની કારકિર્દીની 40મી આંતરરાષ્ટ્રીય વન-ડે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ સાથે ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યાં હતા. તેણે 30 વર્ષ અને 212 દિવસની વયે 40મી સદી પૂર્ણ કરી હતી. આ પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 33 વર્ષ અને 142 દિવસે 40મી સદી ફટકારી હતી.




આ ઉપરાંત સચિને 40મી સદી 355મી ઈનિંગમાં ફટકારી હતી જ્યારે વિરાટે માત્ર 216 ઇનિંગમાં 40મી સદી પૂર્ણ કરી હતી. વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા સામે આ સાતમી સદી હતી. તેણે આ ઉપરાંત શ્રીલંકા સામે આઠ, વેસ્ટ ઈન્ડીઝ સામે સાત, ન્યૂઝીલેન્ડ સામે પાંચ, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ૩-૩, પાકિસ્તાન સામે બે અને ઝિમ્બાબ્વે સામે એક સદી ફટકારી છે. તે પ્રથમ ખેલાડી છે જેણે ત્રણ ટીમો સામે 7-7 સદી ફટકારી હતી.



કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 31મી ઈનિંગમાં સાતમી સદી ફટકારી હતી. સચિને ઓસ્ટ્રેલિયા સામે 70 ઈનિંગમાં નવ સદી ફટકારી છે. કોહલીના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 65 સદી થઈ ગઈ છે. તેણે ટેસ્ટમાં 25 સદી ફટકારી છે. 100 સદી સાથે વર્લ્ડ રેકોર્ડ સચિનના નામે છે જ્યારે રિકી પોન્ટિંગ 71 સદી સાથે બીજા ક્રમે છે.



કોહલીએ શતકીય ઈનિંગ દરમિયાન 22 રન બનાવતાં કોહલીએ કેપ્ટન તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં 159 ઈનિંગમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા જે વર્લ્ડ રેકોર્ડ છે. તેણે પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. પોન્ટિંગે 203 ઈનિંગમાં નવ હજાર રન બનાવ્યા હતા.