નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ શુક્રવારે કહ્યું કે, કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામીની સમિતિને ભારતની પુરુષ ક્રિકેટ ટીમના કોચની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય બીસીસીઆઈની નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવશે, જેમાં હિતોના ટકરાવ નહીં થાય. બીજી બાજુ સમિતિના સભ્ય અંશુમન ગાયકવાડે આંશિક રીતે ટીમ ઇન્ડિયા કોચ રવિ શાસ્ત્રીને ગણાવ્યા છે. ત્યારબાદ એવું કહેવાય છે કે, વર્લ્ડકપમાં હાર બાદ પણ ટીમ ઇન્ડિયાના કોચ બદલાશે નહીં.



ગાયકવાડે એક મુલાકાતમાં કહ્યું હતું કે ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો દેખાવ સારો રહ્યો છે. મારા હિસાબે રવિ શાસ્ત્રીને છોડીને બાકીના તમામ પદ પર અરજી કરનારા લોકો વિશે વિચાર કરવામાં આવશે. કોચ કોણ બનશે એ અરજી કરનારા લોકો પર નિર્ભર રહે છે અને તેઓ બીસીસીઆઈના માપદંડો પર ખરા ઉતરે છે કે નહીં.

બીસીસીઆઈએ હેડ કોચ સિવાય બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ કોચ તથા સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવી છે. સપોર્ટ સ્ટાફમાં ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તથા એડમિનિસ્ટ્રેટિવ મેનેજરનો સમાવેશ છે. બોલિંગ કોચ ભરત અરૂણના વખાણ કરતાં ગાયકવાડે કહ્યું કે, 18-20 મહિનામાં ભારતની બોલિંગમાં સુધારો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ માટે ૧૩ અથવા ૧૪ ઓગસ્ટે ઇન્ટરવ્યુ થવાના છે. નોંધનીય છે કે, રવિ શાત્રી સહિત તમામ સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ બાદ પૂર્ણ થાય છે.