નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના મહાસંગ્રામની વચ્ચે ટીમ ઇન્ડિયાની જર્સીને લઈને ભારતમાં વિવાદ વધ્યો છે. કોંગ્રસે અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની પાછળ નરેન્દ્ર મોદી સરકારનો હાથ હોવાનું કહ્યું છે. સાથે જ તેમણે એ પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ક્રિકેટમાં પણ ભગવા રાજનીતિને શામેલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. જોકે વિવાદ વધતા આઈસીસીએ પણ આ મામલે સ્પષ્ટતા કરી છે.
આઈસીસીએ જણાવ્યું કે, “બીસીસીઆઈને રંગનાં વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમણે એ પસંદ કર્યો જે તેમને સૌથી સારો લાગ્યો. આવુ એ માટે થઈ રહ્યું છે જેથી બે ટીમો મેદાન પર અલગ જોવા મળે, કેમકે ઇંગ્લેન્ડ પણ ભારતની જેમ વાદળી રંગની જર્સી પહેરીને રમી રહી છે. ભારતે અલગ દેખાવા માટે બીજો રંગ પસંદ કરવો પડ્યો.”
આ રંગ ટીમ ઇન્ડિયાની ટી-20 જર્સીમાંથી લેવામાં આવ્યો છે, જેમાં ભગવો રંગ છે. અમેરિકામાં બેઠેલા ડિઝાઇનર્સે અત્યારની જર્સી જેવી જ જર્સી તૈયાર કરી છે. તેમાં વધારે ફરક નથી, જેથી ફેન્સને ઓળખવામાં મુશ્કેલી ના થાય. ઉલ્લેખનીય છે કે ભારત ઉપરાંત આફ્રિકા પણ અલ્ટરનેટ જર્સી સાથે વર્લ્ડ કપમાં રમી રહી રહ્યું છે.