નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સંસદના બંન્ને ગૃહમાં થયેલા ચર્ચાનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. બુધવારે રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, મૉબ લિંચિંગની ઘટનાઓ ખોટી છે પરંતુ આ માટેનો દોષ આખા ઝારખંડને આપવામાં ના આવે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દોષિતો સાથે ન્યાયિક પ્રક્રિયાથી જે કરવું જોઇએ તે થવું જોઇએ. પરંતુ આ માટે આખા ઝારખંડના લોકોને દોષિત માની લેવા ખોટું છે.


વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઝારખંડના મૉબ લિંચિંગનો અડ્ડો કહેવામાં આવ્યો. યુવકની હત્યાનું દુખ મને પણ છે અને તમામને હોવું જોઇએ. દોષિતોને સજા થવી જોઇએ પરંતુ તેના આધારે એક રાજ્યને દોષિત માની લેવું શું આપણે શોભે છે. તો પછી આપણને ત્યાં સારુ કરનારા લોકો નહી મળે.

વડાપ્રધાને  કહ્યું કે, ગુનો થવા પર યોગ્ય રસ્તો બંધારણ, કાયદો અને વ્યવસ્થાથી ઉકેલવો જોઇએ અને આ માટે જેટલું કરી શકતા હોય તેટલું કરવું જોઇએ. તેનાથી પાછા હટવું જોઇએ નહીં. આતંકવાદને કારણે દુનિયાને સૌથી મોટુ નુકસાન થયું છે. હિંસા પર રાજનીતિ થવી જોઇએ નહી. આપણે અન્ય જગ્યાએ રાજનીતિ કરી શકીએ છીએ.