પંતનો વધુ એક રેકોર્ડ, 2018માં ટેસ્ટ ક્રિકેટનો બની ગયો ‘સિક્સર કિંગ’, જાણો વિગત
પંત હજુ છઠ્ઠી જ ટેસ્ટ રમી રહ્યો છે અને તેના નામે 14 સિક્સરો થઈ ગઈ છે. બીજી તરફ 74 ટેસ્ટ રમેલા કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં હજુ 18 સિક્સરો જ છે.
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંટી ગઈ છે. પૂજારા અને રહાણેની ધૈર્યપૂર્ણ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા 324 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 104 રન છે. ભારતને મેચ જીતવા અંતિમ દિવસે 6 વિકેટની જરૂર છે.
પંતે પ્રથમ ઇનિંગ્સમાં એક સિક્સર ફટકારી હતી અને બીજી ઇનિંગ્સમાં પણ એક સિક્સર ફટકારી હતી. આ સાથે જ પંતના નામે 2018માં ટેસ્ટમાં 14 સિક્સરો થઈ ગઈ છે. તે સિક્સરો ફટકારવાના મામલે ઇંગ્લેન્ડના સેમ કરેન સાથે પ્રથમ નંબરે પહોંચી ગયો છે
ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ બેટિંગમા આવેલા રિષભ પંતે પ્રથમ બોલથી જ વિરોધી ટીમના બોલર પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. તેણે ઈનિંગની 96મી ઓવરમાં 18 ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયનની એક ઓવરમાં તેણે ત્રણ ફોર અને એક સિક્સ મારી હતી. જોકે તે આક્રમક બેટિંગ કરવાના પ્રયાસમાં જ આઉટ થયો હતો. પંતે 16 બોલમાં 28 રનની T20 ટાઇપની બેટિંગ કરી હતી.