નવી દિલ્હીઃ બ્રિટનની એમ્મા રાદુકાનું (emma raducanu)એ 18 વર્ષની ઉંમરમાં યુએસ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. એમ્મા રાદુકાનુંએ ફાઇનલ મેચમાં કેનેડાની લીલહ ફર્નાડિઝ (leylah fernandez)ને 6-4,6-3થી હાર આપી યુએસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. રાદુકાનુ 53 વર્ષ બાદ યુએસ ઓપન જીતનારી બ્રિટનની પ્રથમ મહિલા ખેલાડી બની છે.
ફાઇનલ મેચમાં રાદુકાનુએ લીલહને વાપસી કરવાની તક આપી નહોતી. લીલહએ પ્રથમ સેટમાં રાદુકાનુને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સેટ જીતવામાં સફળતા મળી નહોતી. બીજા સેટમાં રાદુકાનુએ જોરદાર રમત બતાવતા મેચને સરળતાથી જીતી લીધી હતી.યુએસ ઓપનના ટ્વિટર હેન્ડલ તરફથી રાદુકાનુને જીતના અભિનંદન આપ્યા હતા. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 53 વર્ષનો ઇતેંજાર ખત્મ થયો. રાદુકાનુ 1968 બાદ યુએસ ઓપન જીતનારી પ્રથમ બ્રિટિશ મહિલા ખેલાડી બની ગઇ છે.
2021 યુએસ ઓપનમાં એમ્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આખી ટુનામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન દાખવતા એક પણ સેટ ગુમાવ્યો નથી. યુએસ ઓપન 2021માં એમ્માએ કુલ 9 મેચ રમી અને તમામની અંદર સીધા સેટોથી જીત મેળવી છે. યુએસ ઓપન 2021માં તેણે કુલ મળીને 18 સેટ પોતાના નામે કર્યા હતા.
નોંધનીય છે કે એમ્માએ યુએસ ઓપન દરમિયાન પોતાના પ્રદર્શનથી તમામ લોકોને ચોંકાવ્યા હતા. ટુનામેન્ટની શરૂઆત અગાઉ તે રેન્કિંગમાં 150મા નંબર પર હતી. આટલા ઓછા રેન્કિંગ સાથે તેણે ઇતિહાસ રચી દીધો છે. ફર્નાન્ડિઝની રેન્કિંગ પણ 73મી હતી અને તેણે આખી ટુનામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન કર્યું છે.
ભારતીય ખેલાડીઓ આઇપીએલ રમવા યુએઇ જશે
કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ થઈ ગઈ છે. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. મેચ રદ્દ થવાના કારમે ભારતીય ખેલાડી આઈપીએલ-14ના બીજા તબક્કા માટે યુએઈ જવા રવાના થશે.ખેલાડીઓને યુએઈમાં 6 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.