Thai Footballer Dies: દક્ષિણ થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફુટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતાં એક 24 વર્ષીય થાઈ ફુટબોલરનું મોત થયું છે અને 12 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના મંગળવારે બની હતી અને તેનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
'ધ ઈન્ડિપેન્ડેન્ટ' અનુસાર, આ દુર્ઘટના સુગાઈ ગોલોકમાં Santiphap સ્ટેડિયમ ખાતે SAMCOLTS અને Abu x Nong Sirin વચ્ચે રમાઈ રહેલી ગોલોક FA કપ મેચ દરમિયાન ઘટી હતી. આ ટૂર્નામેન્ટમાં થાઈલેન્ડ અને પાડોશી દેશ મલેશિયાની એમેચ્યોર ફુટબોલ ટીમો ભાગ લઈ રહી છે.
આ પણ વાંચો...શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
પોલીસે મૃતકની ઓળખ સોફવાન અવે (Sofwan Awae) તરીકે કરી છે, જે SAMCOLTS નો વિંગર હતો અને તેણે તાજેતરમાં જ થાઈ થર્ડ ટાયર ક્લબ Yala FC સાથે કરાર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મેચ દરમિયાન મેદાન પર વીજળી પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ
પોલીસ વડા થુન સિરીખુંતના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી મેડિકલ ટીમે વીજળી પડ્યા બાદ અવેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેણે દમ તોડી દીધો હતો.
ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે પીચ પર વીજળી ત્રાટકે છે અને ત્યારબાદ જોરદાર ધમાકો થાય છે. કાળા અને સફેદ રંગની જર્સી પહેરેલા ખેલાડીઓ તરત જ અવે તરફ દોડી ગયા હતા, તેને ચતો સૂવડાવ્યો હતો અને મેડિકલ ટીમ આવે તે પહેલાં પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. આ ફૂટેજ ઓનલાઈન ઝડપથી વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી શોકની લાગણી અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
12 અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત
પોલીસે જણાવ્યું કે વીજળી પડવાની આ ઘટનામાં એક મલેશિયન નાગરિક સહિત 12 અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી જાહેર કરી નથી. આ ઘટનાએ ખુલ્લા મેદાનમાં રમાતી રમતગમતની ઈવેન્ટ્સ દરમિયાન ખરાબ હવામાનથી થતા જોખમો તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે.
થાઈલેન્ડમાં વીજળી પડવાનું જોખમ હજુ પણ ગંભીર
થાઈલેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ ડિસીઝ કંટ્રોલ અનુસાર, 2020 થી 2024 વચ્ચે ઓછામાં ઓછા 283 લોકો પર વીજળી પડી હતી, જેમાં ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 'ધ ઈન્ડિપેન્ડેન્ટ'ના અહેવાલ મુજબ, મે મહિનામાં લેમ્પાંગ પ્રાંતમાં એક ઝૂંપડી પર વીજળી પડતાં એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી અને તેની કાકીનું મોત થયું હતું.
તે જ મહિનાની શરૂઆતમાં, ઉથાઈ થાની પ્રાંતમાં માછીમારી દરમિયાન એક 30 વર્ષીય સગર્ભા મહિલા અને તેનો પતિ વૃક્ષ નીચે આશ્રય લઈ રહ્યા હતા ત્યારે વીજળી પડતાં મહિલાનું મોત થયું હતું.
