Tokyo 2020 Paralympics Games: જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભાવિના પટેલ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.


પ્રધાનમંત્રી મોદીએ ટોક્યો પેરાલિમ્પિક્સ ફાઇનલમાં પહોંચેલી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને અભિનંદન આપ્યા છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું,  શાનદાર પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન, ભાવિના પટેલ! સમગ્ર દેશ આપની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે. આવતીકાલે તમારો ઉત્સાહ વધારશે. દબાણરહિત રહો અને ઉત્તમ રમો! આપની સિદ્ધિઓ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે




જોકે, ભાવિના પટેલને સેમિફાઇનલમાં આસાન પડકાર નહોતો. ભાવિના પટેલે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા નંબરના ખેલાડી મિઓને હરાવી છે. ખૂબ જ કઠિન સ્પર્ધામાં ભાવિના પટેલે મિયાઓને 3 2 (7 11, 11 7, 11 4, 9 11, 11 8)થી હરાવી હતી. ફાઇનલમાં પહોંચવાની સાથે ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે.


ભાવિના પટેલે (Bhavina Patel) પ્રથમ ગેમ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. ભાવિનાએ બીજી અને ત્રીજી ગેમ પર મજબૂત પકડ બનાવી હતી. પરંતુ તેને ચોથી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભાવિનાએ પાંચમી ગેમ જીતી અને પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની.


ફાઈનલ 29 ઓગસ્ટના રોજ રમાશે


ભાવિના પટેલ (Bhavina Patel) હવે 29 ઓગસ્ટે ગોલ્ડ મેડલ મેળવવા માટે મેદાનમાં ઉતરશે. ફાઇનલમાં પણ ભાવિના સામે ચીનનો પડકાર છે. ફાઇનલમાં ભાવિનાનો સામનો ચીનની ઝોઉ યિંગ સામે થશે.


નોંધનીય છે કે, 34 વર્ષની ભાવિના પટેલ મહેસાણા ગુજરાતની રહેવાસી છે. શુક્રવારે જ ભાવિનાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભાવિના પટેલે ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરીસ્લાવા પેરીચ રેન્કોવીને 11-5, 11-6, 11-7થી હરાવી સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની હતી.





ભાવિના પટેલ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા નથી. પરંતુ હવે ભાવિના પાસે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવીની તક છે.