અમરોહાઃ યૂપીના અમરોહમાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપસર અટકાયત કરી છે. હસીન જહાં વિતેલી રાતે ડિડૌલી પોલીસ સ્ટેશનના સહસપુર અલી નગર ગામમાં મોહમ્મદ શમીના પૈતૃક નિવાસ પર ગઈ હતી જ્યાં મોહમ્મદ શમીની માતા અને પરિવારજનો સાથે બોલાચાલી થઈ હતી. કહેવાય છે કે, શમીની માતાએ પોલીસને બોલાવી અને પોલીસ હસીન જહાંને પોતાની સાથે મહિલા પોલીસ સ્ટેશન લઈ ગઈ અને હવે હસીન જહાંને અમરોહા જિલ્લા હોસ્પિટલમાં પોલીસે અટકાયત કરીને રાખી છે.



હસીન જહાંએ પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથે વાત કરતાં આરોપ લગાવ્યો કે મોહમ્મદ શમીની પહોંચ ઉંચી છે અને રૂપિયાના કારણે યૂપી પોલીસ મને હેરાન કરી રહી છે. રાત્રે 12 કલાકે પોલીસે તેના પતિના ઘરેથી ઉઠાવી ગઈ અને ખાવા પીવા પણ કંઈ ન આપ્યું.



હસીન જહાંએ આરોપ લગાવ્યો કે, પોલીસે કોઈપણ અપરાધ વગર તેને કસ્ટડીમાં રાખી છે. તેની દીકરી અને આયા પણ તેની સાથે છે જેને પણ કંઈ ખાવાનું આપવામાં આવ્યું નથી જેના કારણે તે ભૂખને લીધે રડી રહી છે. હસીન જહાંએ પ્રધાનમંત્રી મોદી પાસે મદદ માગી છે.