વિજય માલ્યાની સ્ટેડિયમની અંદર જતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને ચાહકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયામાં યુઝર્સે વિજય માલ્યાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. કેટલાંક યુઝર્સે વિજય માલ્યાને ડાકુ કહી દીધો છે. જોકે, આ પહેલી વાર નથી કે ભારતમાંથી ભાગ્યા બાદ વિજય માલ્યા મેચ જોવા ગયો હોય.
નોંધનીય છે કે, વિજય માલ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા ઓવલ સ્ટેડિયમ પહોંચ્યો હતો તે દરમિયાન વિજય માલ્યાની સાથે તેની ગર્લફ્રેન્ડ પિંકી લાલવાણી અને તેની માતા પણ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, માલ્યા આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાંક સમર્થકોએ તેને જોઈને ‘ચોર ચોર’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
માલ્યા ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમને મળવા પણ માંગતો હતો પરંતુ ત્યારે સરકારે તેની મંજૂરી આપી ન હતી. 2017માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માલ્યા ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો ત્યારે પણ તેને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.