નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતની હાર પર થયેલી ટીકા બાદ જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તે ઇચ્છે છે કે રવિ શાસ્ત્રી ટીમના કોચ રહે. ટીમના કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ ખત્મ થઇ ગયો હતો પરંતુ તેને 45  દિવસ સુધી વધારવામાં આવ્યો છે જે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ ખત્મ થઇ જશે. કોહલીએ કહ્યું કે, જો રવિ ભાઇ કોચ બની રહેશે તો તેને ખુશી થશે.


વેસ્ટ ઇન્ડિઝ રવાના થતા અગાઉ કોહલીએ મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યુ હતું કે, સીએસી (ક્રિકેટ સલાહકાર સમિતિ)એ આ મુદ્દા પર અત્યાર સુધી મારો સંપર્ક કર્યો નથી. રવિ ભાઇ સાથે અમે બધાનું તાલમેલ સારુ છે અને જો તેઓ કોચ રહે છે તે અમને તમામને ખૂબ ખુશી થશે. જોકે, આ અંગેનો નિર્ણય સીએસીને કરવાનો છે.


ભારતીય મુખ્ય કોચના ઇન્ટરવ્યૂ 13  અને 14 ઓગસ્ટના રોજ છે. આ માટેની અરજી કરવાનીઅંતિમ તારીખ 30 જૂલાઇ છે. સીઓએએ ટીમના કોચિંગ સ્ટાફની પસંદગી માટે નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવી છે જેમાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ, પૂર્વ ખેલાડી અંશુમન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામી છે.