IND vs ENG : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે બીજા જ દિવસે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું હતું. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયાને જીત માટે 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7.4 ઓવરમાં 10 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. તેની સાથે જ ભારતે સીરિઝમાં 2-1થી બઢત મેળવી લીધી હતી. કોહલીની કેપ્ટનશિપમાં ભારતમાં રમાયેલી ભારતની આ 22મી જીત છે.


તેની સાથે કોહલીએ ભારતમાં કેપ્ટન તરીકે સર્વાધિક ટેસ્ટ મેચ જીતવા મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પછાડી દીધો છે. કોહલીએ દેશમાં અત્યાર સુધી 29 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે. જ્યારે ધોની 30 મેચમાં કેપ્ટન રહ્યો હતો. કોહલીએ હવે દેશમાં કેપ્ટન તરીકે 22 ટેસ્ટ મેચ જીતી લીધી છે, જ્યારે ધોનીએ ઘર આંગણે 21 મેચમાં જીત મેળવી છે.

ધોનીના રેકોર્ડ તોડવાના સવાલ પર કોહલીએ કહ્યું હતું કે, મારા માટે આ રેકોર્ડ મહત્વનો નથી. આ શું કોઈ પણ રેકોર્ડ મારા માટે મહત્વ નથી રાખતો, મારા માટે માત્ર એક જ વસ્તુ મહત્વની છે અને તે ટીમ ઈન્ડિયાની જીત.

કેપ્ટન તરીકે કોહલીએ ઘર આંગણે અત્યાર સુધી બે ટેસ્ટ ગુમાવી છે જ્યારે પાંચ મેચ ડ્રો રહી છે. જ્યારે ધોની ત્રણ ટેસ્ટ હાર્યો છે જ્યારે છ ડ્રો રહી ચૂક્યો છે. તેમના સિવાય પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન ભારતમાં 20 ટેસ્ટ મેચમાંથી 13 જીત્યો છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો તથા ત્રણ મેચ ડ્રો રહી. સૌરવ ગાંગુલીએ કેપ્ટન તરીકે ભારતમાં 21 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 10 જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે આઠ મેચ ડ્રો રહી છે.