રાંચીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રાંચીમાં  રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ખૂબ મજબૂત  સ્થિતિમાં પહોંચી ગઇ છે. પ્રથમ ઇનિંગમાં ભારતના નવ વિકેટે 497 રનના જવાબમા સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ  સાથે ભારતીય ટીમને 335 રનની લીડ મળી હતી. ત્યારબાદ કેપ્ટન કોહલીએ સાઉથ આફ્રિકાને ફોલોઓન આપ્યું હતું. કોહલીએ આઠમી વખત વિરોધી ટીમને ફોલોઓન આપ્યું છે.

કોહલી વિપક્ષ ટીમને સૌથી વધુ વખત ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય રેકોર્ડને તોડ્યો હતો. અઝહરુદ્દીને સાત વખત વિરોધી ટીમને ફોલોઓન આપ્યું હતુ. કેપ્ટનની કોહલી  તરીકે આ 51મી ટેસ્ટ મેચ છે. જ્યારે અઝહરે 47 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. ધોનીએ 60 મેચમાં પાંચ વખત અને સૌરવ ગાંગુલીએ 49 મેચમાં ચાર વખત ફોલોઓન આપ્યું છે.


ભારતે સોમવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 335 રનની  લીડ મેળવી છે. પ્રથમ ઇનિંગના આધાર પર આ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની બીજી સૌથી મોટી લીડ છે. આ અગાઉ 2009-10માં કોલકત્તા ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 347 રનની લીડ હાંસલ કરી હતી.