નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 37 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે જ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. તેણે 417 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી અત્યાર સુધી 131 ટેસ્ટ, 224 વન-ડે અને 62 ટી-20 ઇનિંગ્સ રમ્યો છે.



સચિન (34,357) અને રાહુલ દ્રવિડ (24,208) બાદ આ કારનામું કરનારો તે ત્રીજો ભારતીય બની ગયો છે. સચિન અને લારાએ આ કીર્તિમાન સંયુક્ત રીતે 453મી ઇનિંગમાં પાર કર્યો હતો. સચિન અને લારાએ 453 ઇનિંગ્સમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 464 ઇનિંગ્સમાં 20 હજાર રન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યા હતા.



આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રનનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે કુલ 34357 રન છે. ભારતીયોમાં આ મામલે બીજા સ્થાને રાહુલ દ્રવિડ છે. દ્રવિડના નામે 24208 રન છે.

વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારત હજુ સુધી એક મેચ મેચ હાર્યું નથી. ભારત હાલમાં 11 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.