નવી દિલ્હીઃ વિરાટ કોહલીની હવે ટી20માં કેપ્ટનશીપ પુરી થઇ ગઇ છે, આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ચારેયબાજુથી કોહલી પર ટિપ્પણીઓ અને ટીકાઓનો વરસાદ થવા લાગ્યો હતો, ત્યારે કોહલીએ આગામી કેપ્ટન અંગે ચોખવટ કરતી હિન્ટ આપી છે. ગઇકાલે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નામિબિયા સામે વર્લ્ડકપ અને પોતાની છેલ્લી કેપ્ટન તરીકેની મેચ રમી હતી. આ મેચ બાદ કોહલીએ રોહિત શર્માને કેપ્ટન બનાવવા અંગે હિન્ટ આપી હતી. 


આ બધાની વચ્ચે કોહલીએ ટૉસ દરમિયાન સંકેત આપીને ખુલાસો કરી દીધો હતો કે, આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો ટી20 કેપ્ટન કોન હોવો જોઇએ. કોહલીએ આ દરમિયાન જ કહી દીધુ હતુ કે રોહિત શર્મા આગામી કેપ્ટન હશે. હાલમાં રોહિત શર્મા ભારતીય ટીમના ઉપકેપ્ટન છે, અને તેને કેપ્ટનશીપનો ખાસ્સો એવો અનુભવ છે. રોહિતના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ પર કબજો જમાવ્યો છે. 


'ટીમની કેપ્ટનશીપ કરવી ગર્વની વાત'
નામિબિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી તેના માટે ગર્વની વાત છે, મને જે જવાબદારી સોંપવામાં આવી, મે તેને પુરી કરવાનુ કામ કર્યુ અને આ મારા માટે ગર્વની વાત રહી. હવે સમય છે કે હું આગળ માટે જગ્યા બનાવુ. ટીમ ઇન્ડિયાએ જે રીતે કામ કર્યુ છે તે તેના પર ગર્વ કરે છે. 


કોહલીએ કહ્યું કે, હવે સમય છે કે આવનારા ગૃપની જવાબદારી છે કે ટીમને આગળ લઇ જાય. રોહિત શર્મા પણ અહીં છે, તે કેટલાક સમયથી તમામ વસ્તુઓને જોઇ રહ્યો છે. સાથે ટીમમાં કેટલાય લીડર્સ છે, આવામાં આગળનો સમય ભારતીય ક્રિકેટ માટે સારો છે. 




T20 World Cup: ટીમ ઈન્ડિયાના હિટમેને T20 ઈન્ટરનેશનલમાં 3000 રન પૂરા કર્યા, આવું કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો----
ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 3000 રન પૂરા કરી લીધા છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સોમવારે રાત્રે રમાયેલી ભારત-નામિબિયા મેચ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી છે.


રોહિત પહેલા વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ આ સ્થાને પહોંચ્યા છે. વિરાટ કોહલી 3227 રન સાથે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટોચ પર છે. માર્ટિન ગુપ્ટિલ 3115 રન સાથે બીજા અને રોહિત શર્મા 3038 રન સાથે ત્રીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે પણ આ જ વર્લ્ડ કપમાં T20 ઈન્ટરનેશનલમાં 3000નો આંકડો પાર કર્યો છે.


રોહિતના આ આંકડા સુધી પહોંચવામાં ખાસ વાત એ છે કે તેણે સ્થાનિક, વિદેશી અને તટસ્થ મેદાન પર સમાન રન બનાવ્યા છે. તેણે ઘરેલું મેદાન પર 1019 રન, વિદેશી પીચો પર 1001 રન અને તટસ્થ મેદાન પર 1018 રન બનાવ્યા છે.


હિટમેન રોહિત શર્માએ T20માં 4 સદી ફટકારી
રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 116 આંતરરાષ્ટ્રીય મેચોની 108 ઇનિંગ્સમાં 32ની એવરેજથી રન બનાવ્યા છે. રોહિતનો સ્ટ્રાઈક રેટ 140 રહ્યો છે. રોહિતના નામે T20માં 4 સદી અને 24 અડધી સદી સામેલ છે.


રોહિતનું કેપ્ટન તરીકે બેટિંગ પ્રદર્શન શાનદાર
રોહિત શર્માએ 19 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આ 19 મેચોમાં 42 રનની એવરેજથી 712 રન બનાવ્યા છે. જેમાં તેની 2 સદી સામેલ છે.


નોંધનીય છે કે, T20 World Cupમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવી ગયો છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમો સામે હાર બાદ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા જેવી નબળી ટીમો સામે જીત મેળવી હતી. કોહલીની આ કેપ્ટન તરીકેની છેલ્લી ટી20 મેચ હતી. આ ઉપરાંત કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝ અને ટેસ્ટ મેચ રમશે.