હૈદરાબાદ: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક જ મેચમાં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વેસ્ટઈન્ડિઝ સામે કોહલીએ ધમાકેદાર ઈનિંગ રમતા ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ શાનદાર ઈનિંગ રમી કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, જેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સામેલ છે.

કોહલીએ રોહિત શર્માનો ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2539 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ હવે 2544 રન બનાવી લીધા છે.

વિરાટ કોહલીએ આ મુકાબલામાં પોતાના ટી 20 ઈન્ટરનેશનલ કરિયરમાં 23મી વખત 50થી વધારે રન બનાવ્યા છે. આ પહેલા રોહિત શર્માએ ભારત માટે અંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 22થી વધુ વખત 50થી વધારે રનની ઈનિંગ રમી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. આ મેચ દરમિયાન કોહલીએ 50 કરતા વધારે રન બનાવી રોહિત શર્માનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

વિરાટ કોહલી દુનિયાનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2500 રનનો આંકડો પાર કર્યો છે. કોહલીએ 73 મેચમાં 50થી વધુ એવરેજથી 2500 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ બનાવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ પહેલા જ આ માઈલસ્ટોન પાર કર્યો હતો, પરંતુ તેણે 100 મેચ રમી આ રેકોર્ડ બનાવ્યો હતો.