એ વર્ષ હતું 2011નું અને તારીખ 2 એપ્રિલ. આ દિવસ હતો ભારત-શ્રીલંકા વચ્ચે યોજાયેલી એક ક્રિકેટ મેચનો. આ મેચ કોઈ સમાન્ય મેચ નહી પણ 2011ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ હતી. દરેક ક્રિકેટપ્રેમીની આશા હતી કે ભારત આ મેચ જીતે. જાણે આ આશા પુર્ણ કરવા માટે જ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતર્યા હતા. દરેક ખેલાડીએ મેચ જીતવા માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું અને આ દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નોંધાઈ ગયો. ભારતે 2011નો વર્લ્ડ કપ જીતી લીધો. 


1983 બાદ ભારતીય ક્રિકેટ ટીમે બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. ફાઇનલમાં લગભગ દરેક ખેલાડીએ પોતાનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, સચિન, સહેવાગ, ધોની, વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ હતા. તમામે મહત્વની ઈનિંગ રમી હતી. આજે 2 એપ્રિલે આ દિવસને 11 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે IPLની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તે ફાઈનલને યાદ કરીને કહ્યું કે, "મેં ફાઈનલ મેચમાં 35 રન બનાવ્યા હતા. હું તેને મારી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ માનું છું."


ભારતે મેચમાં 31 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી રમાવા ઉતર્યો હતો. કોહલીએ કહ્યું- મને હજુ પણ યાદ છે જ્યારે હું બેટિંગ કરવા મેદાનમાં જતો હતો ત્યારે 31 રનમાં બે વિકેટ પડી ગઈ હતી. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ બંને આઉટ થયા હતા. જ્યારે હું મેદાન પર જતો હતો ત્યારે સચિન પાજીએ કહ્યું હતું કે, મોટી ભાગીદારી કરવી. આ પછી ગૌતમ ગંભીર અને મેં લગભગ 90 રન (ખરેખર 83 રન)ની ભાગીદારી કરી. ત્યારબાદ મેં 35 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ કહ્યું- 35 રનની ઈનિંગ્સ ઘણી મહત્વપૂર્ણ હતી. 35 રનની આ ઈનિંગ મારી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રહી છે. ટીમ તેના ટ્રેક પર પાછી આવી અને મેં આપેલા તમામ યોગદાન માટે હું ખુશ હતો. તે હજુ પણ આપણી યાદોમાં તાજી છે. ત્યારે જો જીતા વોહી સિકંદરના નારા લાગ્યા હતા.






અંતમાં ગૌતમ ગંભીર અને ધોનીએ વિનિંગ ઇનિંગ્સ રમી અને 2011 ODI વર્લ્ડ કપ જીત્યો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓપનર ગૌતમ ગંભીરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 274 રન બનાવ્યા હતા. ત્યારબાદ મહેલા જયવર્દનેએ 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 277 રન બનાવ્યા અને મેચ અને ટાઈટલ જીતી લીધું. ફાઈનલમાં ટીમ ઈન્ડિયા તરફથી ગૌતમ ગંભીરે સૌથી વધુ 97 રનની ઈનિંગ રમી હતી. તે સદી ચૂકી ગયો હતો. આ મેચમાં કેપ્ટન ધોનીએ અણનમ 91 રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. આ સિક્સ ફાસ્ટ બોલર નુવાન કુલશેખરાના બોલ પર વાગી હતી. ધોનીએ ગંભીર સાથે 109 રનની સદીની ભાગીદારી કરી હતી. જ્યારે અંતે તેણે યુવરાજ સિંહ સાથે અણનમ 54 રન જોડ્યા હતા. યુવીએ અણનમ 21 રન બનાવ્યા હતા.