નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ પોતાના ઓલ ટાઈમ ફેવરિટમાં વિરાટ કોહલી સામે સચિન તેંડુલકરને પ્રાથમિકતા આપી છે. જ્યારે બ્રાયન લારાને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી વિશે સવાલ પૂછવામાં આવ્યો તો લારાએ કહ્યું, વિરાટ કોહલી રન મશીન છે, પરંતુ માફ કરશો મારી પસંદ સચિન તેંડુલકર છે.




લારાનાં નામે ટેસ્ટમાં સર્વાધિક રન 400 રનનો રેકૉર્ડ અકબંધ છે. તેમણે કહ્યું કે, “પરંતુ તમારા પ્રશ્ન વિશે કહ્યું તો તેમાં કોઇ શંકા નથી કે રમતનાં દરેક ફૉર્મેટમાં વિરાટ કોહલી અને બાકીની દુનિયા વચ્ચે ઘણું અંતર છે. રોહિત શર્માએ ભલે વિશ્વ કપમાં 4 સદી ફટકારી હોય, જૉની બેયરસ્ટો અથવા બીજુ કોઇ હોય, પરંતુ જો તમે કોઇને ટી-20, ટી-10, 100 બૉલ ક્રિકેટ અથવા ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરતા જોવા ઇચ્છો છો તો આજે તે વિરાટ કોહલી હશે.”



લારાએ કહ્યું કે, “સચિનનો રમત પર જે પ્રભાવ છે, તે અવિશ્વસનીય છે. કારણ કે તે સમયે આવું પ્રદર્શન કર્યું જ્યારે મનાતુ હતુ કે ભારતીય બેટ્સમેન ભારતીય જમીન અને ભારતીય પિચોની બહાર સારું પ્રદર્શન નથી કરી શકતા, પરંતુ સચિન તેંડુલકર દરેક પિચ પર સારું પ્રદર્શન કરતા હતા. જો આજની વાત કરીએ તો દરેક ભારતીય બેટ્સમેન દરેક પિચ પર સારું પ્રદર્શન કરે છે. મને લાગે છે કે તેમણે સચિનનાં રમવાની રીત શીખી લીધી છે.”