નવી દિલ્હીઃ વર્લ્ડકપ સેમી ફાઈનલમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ ત્યારથી  દરરરોજ કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માની વચ્ચે વિવાદના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવાય છે કે, બન્ને વચ્ચે કંઈ ખટપટ ચાલી રહી છે. થોડા દિવસ અહેવાલ આવ્યા હતા કે મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાને વર્લ્ડકપમાં વદારે મેચ ન રમાડવાને લઈને બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ તેની પુષ્ટિ ન થઈ શકી. હવે અહેવાલ આવ્યા છે કે, બન્ને વચ્ચે ચાલી રહેલ વિવાદને ખત્મ કરવા માટે બીસીસીઆઈએ પણ હસ્તક્ષેપ કર્યું છે. હવે આ મુદ્દે આજે થનારી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી જવાબ આપી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ ટી-૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ  મેચો રમવા માટે સોમવારે રાતે રવાના થઈ રહેલી ટીમ  ઈન્ડિયાનો સુકાની વિરાટ કોહલી પારંપરિક પ્રેસ કોન્ફરન્સ કરશે. પહેલા ચર્ચા હતી કે, વિદેશ પ્રવાસ પહેલાં કોચ  અને કેપ્ટન મીડિયાને સંબોધે છે પણ વિરાટ કોહલી આ પરંપરા રદ કરવા માગતો હોવાના અહેવાલો મળતા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્મા  વચ્ચેના ઝઘડાના કારણે તે મીડિયા સામે આવવા માગતો નહોતો એવું મનાતું હતું. વર્લ્ડ કપમાં જતાં પહેલાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ લાંબી  પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.



બીસીસીઆઈએ કહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ફ્લોરિડા જતાં પહેલાં સોમવારે સાંજે ૬ વાગ્યે વિરાટ કોહલી મુંબઈમાં આવેલા ક્રિકેટ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. તે પત્રકારોના સવાલોના જવાબ આપશે. ટીમ ઈન્ડિયા અમેરિકાના ફ્લોરિડામાં ૩ અને ૪ ઓગસ્ટે બે ટી-૨૦ રમશે. ત્યાર બાદ એ વેસ્ટ ઈન્ડિઝ જશે.

વાઈસ કેપ્ટન રોહિત શર્માએ સુકાની વિરાટની પત્ની  અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતાં ટીમ ઈન્ડિયામાં  જૂથબાજી હોવાની અટકળોને વેગ મળ્યો છે. વળી વિરાટ  અને રોહિત વચ્ચે ઝઘડો થયો હોય એવા અહેવાલો મીડિયામાં  આવી રહ્યા છે આથી પ્રેસ  કોન્ફરન્સમાં આ મુદ્દે સવાલો પુછાશે એ સ્વાભાવિક છે. વિરાટ કોહલી  આવા કોઈ સવાલોનો જવાબ આપશે કે નહીં એના પર સૌની નજર છે.

વિરાટ  અને રોહિત વચ્ચે ઝઘડો થયો હોવાના મુદ્દે બંનેમાંથી એક પણ ક્રિકેટરે કોઈ  પ્રતિક્રિયા આપી નથી. સોશિયલ મીડિયામાં પણ તેઓ આ મુદ્દે  કોઈ પોસ્ટ કરતા નથી અને જાહેરમાં પણ આ વિશે કોઈ કંઈ બોલતા  નથી. રોહિત શર્માએ પણ આ મુદ્દે ચુપકીદી જાળવી રાખી છે.  આથી મીડિયાને આશા છે કે પ્રેસ  કોન્ફરન્સમાં આ મુદ્દે વિરાટને કરવામાં આવનારા સવાલોમાંથી  જવાબ મળી રહેશે.