નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલાવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાને આજે એક વર્ષ પૂરું થયું છે. ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ આતંકી હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારની મદદ માટે અનેક નેતા, અભિનેતા અને મોટી મોટી હસ્તીઓ આગળ આવી હતી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું કામ પ્રશંસનીય છે. સેહવાગે પુલવામાં હુમલામાં શહીદ જવાનોના બે બાળકોને દત્તક લીધા છે અને તેને પોતાની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે. આ બાળકો પિતાની જેમ સેનામાં ભરતી થવા માંગે છે.

પુલાવામા એટેકની પ્રથમ વર્ષગાંઠ પર શહીદોને યાદ કરતા સેહવાગે ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વીટમાં આ બાળકોની તસવીર પણ શેર કરીને લખ્યું કે, ‘આજે આપણા બહાદુર જવાનો સાથે પુલવામામાં થયેલા હુમલાની વર્ષગાંઠ છે. તે તમામ જવાનોને નમન. આ તસ્વીરમાં બેટ્સમેન છે- અર્પિત સિંહ, જે પુલવામામાં શહીદ થયેલા રામ વકીલનો દિકરો છે અને બોલર રાહુલ સોરેંગ શહીદ વિજય સોંરેંગનો પુત્ર છે. મારી સ્કૂલ તેમને ભણાવીને ગૌરવ અનુભવી રહી છે.’


ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ દિગ્ગજ ક્રિકેટરે દેશની સુરક્ષા કરતા શહીદ જવાનોના બાળકોને પોતાની બોર્ડિંગ સ્કૂલમાં મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. આ બન્ને બાળકો સેહવાગની સ્કૂલમાં ભણી રહ્યા છે અને રમતમા પણ ધ્યાન આપી રહ્યાં છે.