નવી  દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ રમાયેલ બીજી ટી20 મેચમાં શાનદાર બોલિંગ કરનાર ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરના વખાણ કરતાં કહ્યું કે, તે ભવિષ્યમાં મોટી ભૂમિકા ભજવવાનો દમ રાખે છે. સુંદરે રવિવારે રાતે રમાયેલ બીજી મેચમાં 3 ઓવરમાં એક મેડન ઓવર નાખી હતી. આ યુવા બોલરે ત્રણ ઓવરમાં માત્ર બાર રન આપ્યા હતા અને એક વિકેટ પણ ઝડપી હતી.



મેચ બાદ કોહલીએ કહ્યું કે,‘વોશિંગ્ટને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને ત્યારે જ્યારે બેટ્સમેન તેની બોલિંગ પર લાંબા શોટ્સ મારવાની કોશિશ કરી રહ્યા હતા. લાંભાગાળા સુધી બહાર રહ્યા છતાં પણ તેને જેવી રીતે સ્વભાવ અને સંયમ દેખાડ્યો છે. તેના વખાણ થવા જોઈએ. તે આગામી દિવસોમાં ટીમ માટે મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે.’

આપને જણાવી દઈએ કે ત્રણ મેચોની ટી 20 સિરીઝની શરૂઆતમાં સતત બે મેચ જીતવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરિઝ જીતી લીધી છે. વિરાટ કોહલીએ કહ્યું કે સિરીઝ જીતવી ટીમ માટે સારી વાત છે. કારણ કે તેથી અન્ય ખેલાડીઓને રમવાની તક મળશે. ટી 20 સિરીઝની અંતિમ મેચ મંગળવારે પ્રોવિડેન્સમાં રમાશે.