નવી દિલ્હીઃ રાજકોટમાં રમાયેલ બીજી વનડે મેચમાં ભારતે મહેમાન ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને 3 મેચની વનડે સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. આ મેચમાં કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતાં 51 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી જેના કારણે ભારત 6 વિકેટે 340 રનનો સ્કોર બનાવવામાં સફળ રહ્યું. રાહુલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રાહુલે 5માં નંબર પર રમતા આ ઇનિંગ રમી જે ભારત માટે મેચ વિનર સાબિત થઈ.

રાહુલ આમ તો ઓપનિગં બેટ્સમેન છે અને ઓપનિંગ કરવા ઉતરે છે પરંતુ આ મેચમાં નંબર 5 પર રમતા તેણે પોતાની કુશળતા સાબિત કરી. મેચ બાદ રાહુલે ખુલાસો કર્યો કે રાજકોટમાં નંબર 5 પર બેટિંગ કરવાના પડકાર માટે તેણે કેવી રીતે તૈયારી કરી.

રાહુલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મેં વિરાટ કોહલી સાથે ઘણી વાત કરી અને આ પ્રકારના પડકાર માટે એબી ડિવિલિયર્સ-સ્ટીવ સ્મિથના અનેક વીડિયો જોયા. આ દરમિયાન મેં જોયું કે આ બધા બેટ્સમેન પોતાની ઇનિંગને આગળ વધારે છે. મેં કેન વિલિયમસનના પણ કેટલાક વીડિયો જોયા અને જોયું કે કેવી રીતે તે પોતાની ઇનિંગ ઉભી કરે છે અને કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં કેવી રીતે રમે છે.’

કેએલ રાહુલને લાગે છે કે જુદા જુદા બેટિંગ ક્રમ પર રમ્યા બાદ તે પોતાની બેટિંગને વધારે એન્જોય કરી રહ્યા છે. રાહુલે કહ્યું, ‘રમતને સમજવી મારા માટે હવે વધારે સરળ થઈ ગઈ છે, હવે જ્યારે હું અલગ અલગ બેટિંગ ક્રમ પર રમવા માટે આવું છું ત્યારે બેટિંગ કરવાની વધારે મજા આવી રહી છે.’

રાહુલે કહ્યું, ‘દરેક નવી મેચમાં એક નવી ભૂમિકા આશીર્વાદ જેવી છે. મને નથી લાગતું કે મોટાભાગના બેટ્સમેન આવું કરતાં હોય છે. મને જ્યાં પણ બેટિંગ કરવાની તક મળી છે, ત્યાં હું બેટિંગને એન્જોય કરું છું. હું માત્ર મારી ટીમ માટે પ્રદર્શન કરવા માગુ છું.’