જમૈકાઃ વન ડે અને ટી-20 ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેન પૈકીના એક વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઇલે ટેસ્ટ ક્રિકેટને લઈ મોટું નિવેદન આપ્યું છે. ગેઇલે કહ્યું, ટેસ્ટ ક્રિકેટથી વધારે પડકારજનક કંઈ નથી. આ એક એવું ફોર્મેટ છે, જે તમને જિંદગીની જટિલતાઓને સમજવામાં મદદ કરે છે.

BCCIના ઓનલાઈન કાર્યક્રમ ઓપન નેટ્સમાં મયંક અગ્રવાલ સાથે વાત કરતાં ક્રિસ ગેઇલે કહ્યું, "ટેસ્ટ ક્રિકેટ સર્વશ્રેષ્ઠ છે. ટેસ્ટ ક્રિકેટ રમતાં જિંદગી કેવી રીતે જીવવી તે શીખવાનો મોકો મળે છે. કારણકે પાંચ દિવસનું ક્રિકેટ ઘણું પડકારજનક હોય છે. તે અનેક રીતે તમારી પરીક્ષા લે છે. તમે જે કંઈ કરો તેમાં અનુશાસન બન્યું રહે તે સુનિશ્ચિત કરવાનું હોય છે. તે તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી વાપસી કરવાનું પણ શીખવે છે."

ક્રિસ ગેઇલ પર હંમેશા ક્રિકેટના ટૂંકા ફોર્મેટ પર ધ્યાન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. પરંતુ આ 40 વર્ષીય ક્રિકેટરે યુવાઓને ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. ભારતીય કેપ્ટન અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગેઇલના પૂર્વ સાથી વિરાટ કોહલીએ પણ આ પ્રકારની વાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ પારંપરિક ફોર્મેટમાં રમીને જિંદગી જીવવાનો પદાર્થપાઠ મળે છે.

ક્રિસે ગેઇલ તેના કરિયરમાં 103 ટેસ્ટ મેચ રમ્યો છે પરંતુ 2014 બાદ ક્રિકેટના લાંબા ફોર્મેટમાં એક પણ મેચ રમ્યો નથી. 103 ટેસ્ટમાં તેણે 11 વખત નોટ આઉટ રહીને 7214 રન બનાવ્યા છે. જેમાં 15 સદી અને 37 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 333 રન છે.