નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને જોતા બનાવામાં આવેલા પીએમ કેયરસ્ ફંડમાંથી 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મંગળવારે સરકારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, 2000 કરોડ રૂપિયામાંથી 50,000 મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર બનાવવામાં આવશે, જેનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં થશે.

કોરોના વાયરસ સામેની લડાઈમાં આ 50 હજાર વેન્ટિલેટર્સને કોરોનાની સારવાર કરી રહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલોને આપવામાં આવશે. PMO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે 30 હજાર વેન્ટિલેટરનું નિર્માણ ભારત ઈલેક્ટ્રોનિક્સ કરશે. જ્યારે બાકીના 20 હજાર વેંટિલેટર્સ એગ્વા હેલ્થકેયર્સ, એએમટીઝેડ બેસિક સહિત અન્ય કંપનીઓ કરશે.


આ 50 હજાર વેન્ટિલેટરમાંથી અત્યાર સુધીમાં 2923 વેન્ટિલેટર બની ચુક્યા છે. જેમાંથી 1340 વિવિધ રાજ્યોને આપવામાં આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રને 275, દિલ્હીને 275, ગુજરાતને 175, બિહારને 100, કર્ણાટકને 90 અને રાજસ્થાનને 75 વેન્ટિલેટર આપવામાં આવી ચુક્યા છે. જૂનના અંત સુધીમાં વધુ 14 હજાર વેન્ટિલેટર રાજ્યોને ફાળવવામાં આવશે.