નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે સિરીઝ ચાલી રહી છે. જેની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટથી જીતીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે. રવિવારે રમાયેલ આ મેચની જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે ઈન્ડિયા વિરૂદ્ધ 10 વર્ષ બાદ જીત મેળવી હતી. જોકે મેચ જીત્યા છતાં પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC) એ મોટ દંડ ફટકાર્યો હતો.


મીડિયા રિપોર્ટ પ્રમાણે, આઈસીસી દ્વારા વેસ્ટ ઈન્ડિઝને ભારત સામેની પ્રથમ વન-ડે દરમિયાન ધીમી ઓવર રેટને કારણે મેચ ફીના 80 ટકા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આઈસીસીના એલિટ પેનલના મેચ રેફરી ડેવિડ બૂને કિરોન પોલાર્ડની ટીમને આ દંડ ફટકાર્યો હતો.

કેરેબિયન ટીમ પર નિર્ધારિત સમયથી ચાર ઓવર ઓછી બોલિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વેસ્ટ ઈન્ડીઝ ટીમના મેચ પૂરી થતાં સમયે ચાર ઓવર બાકી હતી.

રિપોર્ટ પ્રમાણે, પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ માટે આઈસીસીની આચારસંહિતાના આર્ટિકલ 2.22 મુજબ ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂર્ણ નહીં કરે તેવી સ્થિતિમાં ખેલાડીઓને તેમની મેચ ફીના 20 ટકા જેટલો દંડ ફટકારવામાં આવતો હોય છે. આ રીતે તેના દરેક ખેલાડી પર મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે, પોલાર્ડે પણ મેચ બાદ તેની ભૂલ સ્વીકારી હતી તેવું રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.