નવી દિલ્હીઃ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે શુક્રવારે કહ્યું કે, તેને વર્લ્ડ કપના શરૂઆતના મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રસાકસીભર્યા મેચની આશા હતી પરંતુ એ વાતથી રાહત અનુભવે છે કે મોહમ્મદ આમિર ફોર્મમાં આવતા બધી ત્રણેય વિકેટ લીધી હતી. પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ થઈ જતા વેસ્ટઇન્ડીઝ સામેટ 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
સરફરાઝ એહમદે કહ્યું કે, “ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતી વખતે જો તમે વિકેટો તરત જ ગુમાવી દો છો તો મેચમાં વાપસી કરવી મુશ્કેલ છે. આ મેચની શરૂઆતની ઑવર્સમાં બૉલર્સને મદદ મળી, પરંતુ 30 મિનિટ પછી પિચ બેટિંગ માટે સારી થઈ ગઈ હતી. સાચુ એ છે કે અમે સારી બેટિંગ કરી ન હતી. અમે આ મેચમાં સારું પ્રદર્શન ના કર્યું, પરંતુ મને એ વાતની સંપૂર્ણ આશા છે કે અમારી ટીમ આગામી મેચમાં વાપસી કરશે.”
પાકિસ્તાનનાં મોટાભાગનાં બેટ્સમેન આ મેચમાં શૉર્ટ પિચ બૉલનો શિકાર બન્યા અને પોતાની વિકેટ ગુમાવી. આ વિશે સરફરાઝે કહ્યું કે, “અમને ખબર હતી કે વેસ્ટઇન્ડીઝની ટીમમાં સારા ફાસ્ટ બૉલર્સ છે અને તેઓ અમારા પર આક્રમણ કરશે. જો કે અમે તેમના તરફથી ફેંકવામાં આવેલા શૉર્ટ પિચ બૉલનો સારી રીતે સામનો કરી શક્યા નહીં.” સરફરાઝે 3 વિકેટ લેનારા મોહમ્મદ આમિરની પ્રશંસા કરી હતી.