Wrestler Protest News: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહના પરિવારના સભ્યો પાત્રતા હોવા છતાં ફેડરેશનની આગામી ચૂંટણી લડશે નહીં. વિશ્વસનીય સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. WFIના પ્રમુખ, વરિષ્ઠ ઉપપ્રમુખ, ચાર વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, બે સંયુક્ત સચિવ અને પાંચ એક્ઝિક્યુટિવ સભ્યો માટે 6 જૂલાઈના રોજ ચૂંટણી યોજાશે.


રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ખાતરી આપી હતી કે બ્રિજ ભૂષણના પરિવારના સભ્યો કે તેમના સહયોગીઓને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ કુસ્તીબાજોએ 15 જૂન સુધી વિરોધ નહી કરવાની જાહેરાત કરી હતી. બ્રિજ ભૂષણના પુત્ર કરણ ભૂષણ ઉત્તર પ્રદેશ કુસ્તી સંઘના વડા છે જ્યારે તેમના જમાઈ આદિત્ય પ્રતાપ સિંહ બિહાર એકમના વડા છે.


પુત્ર અને જમાઈ નામાંકન નહી ભરે


બ્રિજ ભૂષણના પરિવારની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "તેઓએ ચર્ચા કરી અને નક્કી કર્યું છે કે તેમનો પુત્ર કરણ અને જમાઇ આદિત્ય WFI ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કરશે નહીં. વિવાદ વધે એવું કંઈ કરવું યોગ્ય નથી." જોકે, કરણ અને આદિત્ય બંને ચૂંટણીમાં ભાગ લેશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બ્રિજ ભૂષણ પર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત દેશના ટોચના કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણી અને ધમકીઓનો આરોપ છે.


દિલ્હી પોલીસે તેમની સામે બે એફઆઈઆર નોંધી છે અને આ મામલે ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બ્રિજ ભૂષણ શરણ સિંહ 2011થી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ છે. જો નિયમ તરીકે જોવામાં આવે તો એક વ્યક્તિ ત્રણ વખતથી વધુ ભારતીય કુસ્તી મહાસંઘનો પ્રમુખ બની શકતો નથી. આવી સ્થિતિમાં ભાજપના સાંસદનો ત્રીજો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. જે બાદ એવું માનવામાં આવતું હતું કે પરિવારનો કોઈ સભ્ય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી લડી શકે છે.


સરકાર અને કુસ્તીબાજો વચ્ચે મડાગાંઠ સમાપ્ત થયાના બીજા દિવસે ગુરુવારે (8 જૂન) આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુક બ્રીજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. બ્રિજ ભૂષણ સિંહે પણ સગીર બાળકીના પિતાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.


સગીર છોકરીના પિતાએ કહ્યું, "બદલાની ભાવનામાં તેણે WFI ચીફ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી, હવે તે ભૂલ સુધારવા માંગે છે." તેઓ ઈચ્છે છે કે સત્ય હવે કોર્ટમાં નહીં પણ બહાર આવે.