નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારીને બહાર થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટ પહેલા ભારતને ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવતું હતું. 15 મિનિટની ખરાબ રમતે ટીમ ઇન્ડિયા સહિત કરોડો ક્રિકેટ ફેન્સનું સપનું તોડી નાખ્યું હતું. સેમીફાઈનલ મેચ બાદ ધોની ક્રિકેટના મેદાનથી દૂર છે, અનેક દિગ્ગજ પણ કહી ચૂક્યા છે કે ધોની ટૂંકમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી દેશે. જોકે ટીમ ઇન્ડિયાના હાલના કોચ રવિ શાસ્ત્રીનું આ મામલે કંઈક અલગ જ માનવું છે.


એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘આના માટે IPL 2020 સુધી રાહ જુઓ. આ બધું એ બાબત પર નિર્ભર કરે છે તે ક્યારથી રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે. બીજી તરફ, અન્ય વિકેટકીપર્સ શું કરી રહ્યાં છે અને ધોનીની સરખામણીએ તેમના ફોર્મ કેવા છે તે પણ જોવાનું રહેશે.’

શાસ્ત્રીએ કહ્યું કે, ‘ટી20 વર્લ્ડ કપ પહેલા IPL છેલ્લી સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. આ દરમિયાન તમારા 15 ખેલાડીઓ નક્કી થઈ ચૂક્યા હશે. એટલે હું તો એવું જ ઈચ્છીશ કે, અટકળો લગાવવા કરતા IPL ખતમ થાય ત્યાં સુધી રાહ જોવી વધુ સારું રહેશે. ત્યારબાદ જ તમે એવી સ્થિતિમાં હશો કે, જાણી શકો કે, દેશના સર્વશ્રેષ્ઠ 17 ખેલાડીઓ કોણ છે.’

ધોનીએ પોતાના કરિયરમાં કુલ 98 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. તે છેલ્લે ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચ રમ્યો હતો. આ મેચમાં ઑસ્ટ્રેલિયા 7 વિકેટે જીતી ગયું હતું. જોકે, ધોનીએ 40 રનની પ્રશંસનીય ઈનિંગ રમી હતી.