1989માં આતંકીઓએ બાલા સાહેબ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી પર હુમલો કરવાનું પ્લાન બનાવ્યો હતો. તે સમયે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. ગુપ્ત એજન્સીએ પવારને જણાવ્યું હતું કે માતોશ્રી પર આતંકી હુમલાનું એલર્ટ છે.
કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર મુખ્યમંત્રી પવારે ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને એકલાને તેમની પાસે બોલાવ્યા. પવારે ઉદ્ધવ સામે કેટલાક કાગળ રાખ્યા, જેમાં આતંકી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ ઉદ્ધવે ઘરે પહોંચીને પિતા બાલા સાહેબને માહિતગાર કર્યા. ઉદ્ધવની વાત સાંભળી બાલાસાહેબે થોડા દિવસો માટે એક સુરક્ષિત ઘર શોધવા અને માતોશ્રીને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ તેમના પુસ્તક હોલ્ડ્સ બ્રેયર્ડઃ માઇ ઈયર્સ ઈન પોલિટિક્સમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે, શિવસેનાના સંરક્ષક બાલા સાહેબ ઠાકરે ખાલિસ્તાની આતંકીઓના હિટ લિસ્ટમાં હતા. તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવારે બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવને ફોન કર્યો અને ધમકી અંગે માહિતી આપી હતી.
પુસ્તમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે, પવારે બાલ ઠાકરે પરિવારને વધારાની સુરક્ષા પૂરી પાડવાની ઓફર પણ કરી હતી. ઉપરાંત આ માહિતી પરિવારની અંદર જ રાખવાની સલાહ આપી હતી.