Novak Djokovic Wimbledon 2025: નોવાક જોકોવિચે વિમ્બલ્ડન 2025ની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે ઇટાલીના ફ્લાવિયો કોબોલીને ચાર સેટમાં હરાવીને એક મુશ્કેલ મેચ રમી હતી. સેન્ટર કોર્ટ પર આ મેચ 3 કલાક અને 11 મિનિટ ચાલી હતી, જેમાં જોકોવિચ એ 6-7 (6-8), 6-2, 7-5, 6-4 થી જીત મેળવી હતી. હવે જોકોવિચનો સામનો સેમિફાઇનલમાં વિશ્વના નંબર 1 જેનિક સિનર સામે થશે. સિનરે અમેરિકન બેન શેલ્ટનને સીધા સેટમાં 7-6 (7-2), 6-4, 6-4 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ જીત સાથે 38 વર્ષીય જોકોવિચ એ ઓપન એરામાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલ (52) રમવા મામલે ક્રિસ એવર્ટની બરાબરી કરી. તેણે વિમ્બલ્ડનમાં સૌથી વધુ સેમિફાઇનલ (14) રમવાનો પોતાનો રેકોર્ડ પણ મજબૂત બનાવ્યો હતો.
છઠ્ઠા ક્રમાંકિત જોકોવિચે લીડ મેળવવા માટે શરૂઆતમાં બ્રેક લીધો પરંતુ કોબોલીએ વાપસી કરી અને સ્કોર બરાબર કર્યો અને મેચ ટાઇબ્રેકમાં ગઈ હતી. ટાઇબ્રેકમાં 23 વર્ષીય કોબોલીએ 3-1 ની લીડ લીધી અને જોકોવિચની વાપસી પછી તેણે સ્કોર 6-6 હોવા છતાં પણ સેટ જીતી લીધો હતો.
જોકોવિચે બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી. તેણે કોબોલીની સર્વિસ બે વાર તોડીને સરળતાથી સેટ જીતી લીધો અને મેચ બરાબર કરી દીધી હતી. ત્રીજો સેટ ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ જોકોવિચે અંતે એક મહત્વપૂર્ણ બ્રેક લીધો અને આ સેટ 7-5 થી જીતી લીધો હતો.
ચોથા સેટમાં પણ જોકોવિચે 5-4 ની લીડ લીધી હતી અને મેચ જીતવા માટે સર્વિસ કરવા આવ્યો હતો. તેને 40-15 પર બે મેચ પોઈન્ટ મળ્યા, પરંતુ કોબોલીએ બંને બચાવ્યા હતા. અંતમાં જોકોવિચે મેચ જીતી લીધી હતી.
નોવાક જોકોવિચે મેચમાં 39 શાનદાર શોટ (વિનર્સ) ફટકાર્યા હતા, જ્યારે કોબોલીએ 51 વિનર્સ શોટ ફટકાર્યા હતા. હાર છતાં ફ્લાવિયો કોબોલીના રેન્કિંગમાં સુધારો થયો છે અને તે હવે ATP રેન્કિંગમાં પાંચ સ્થાન ઉપર આવીને 19મા ક્રમે પહોંચી ગયો છે. કોબોલીની પ્રશંસા કરતા જોકોવિચે કહ્યું કે તેની પાસે આગળ વધવાની સંપૂર્ણ ક્ષમતા છે. જોકોવિચે કહ્યું હતું કે ફ્લાવિયોને એક શાનદાર ટુર્નામેન્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન, તે શાનદાર રીતે રમ્યો, તે ચોક્કસપણે એવા ખેલાડીઓમાંથી એક છે જેમને આપણે ભવિષ્યમાં ઘણી વખત રમતા જોઈશું.