નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાના નામે વધુ એક રેકોર્ડ જોડાઇ ગયો છે, મંધાના વનડેમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનારી બીજી ભારતીય બેટ્સમેન બની ગઈ છે. મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમા રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 74 રનની ઇનિંગ રમી હતી અને યુવા બેટ્સમેન જેમિમાહ રોડ્રિગેજ સાથે પ્રથમ વિકેટ માટે 141 રનની ભાગીદારી નોંધાવી હતી.

23 વર્ષીય સ્મૃતિએ બે હજાર રન બનાવવા માટે 51 ઇનિંગ રમી. તેની સાથે જ તે વિશ્વની સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.



વનડેમાં મંધનાએ અત્યાર સુધી 51 વનડે મેચમાં 43.08ની એવરેજથી 2205 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 17 ફિફ્ટી સામેલ છે. મંધાના સિવાય શિખર ધવન જ એકમાત્ર એવો ભારતીય છે જેના નામે 50 ઓવર મેચમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે 48 વનડેમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.


આ રેકોર્ડ મામલે સ્મૃતિએ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધાં છે. ગાંગુલીએ આ મુકામ હાંસલ કરવા માટે 52 ઇનિંગ રમી હતી. નવજોત સિંહ સિદ્ધુએ પણ બે હજાર રન માટે 52 ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 53 ઇનિંગમાં આ મુકામ સુધી પહોંચ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાના અને જેમિમાહની મદદથી ભારતીય ટીમે નિર્ણાયક ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવી સીરીઝ 2-1થી જીતી હતી.