મુંબઇઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો આજે છેલ્લો દિવસ છે, જો રાજ્યમાં સરકાર નહીં બને, સરકાર બનાવવા માટે કોઇપણ પાર્ટી તરફથી પહેલ ના થઇ તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. હાલની સ્થિતિમાં વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બર સુધી એટલે કે કાલે પુરો થઇ જાય છે.


વળી, એકબાજુ શિવસેનાએ પોતાના ધારાસભ્યોને તુટી જવાના ડરથી રંગશારદા હૉટલમાં રોક્યા છે. રાજ્યમાં અત્યાર સુધી બધા મોટા પક્ષોએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી લીધી છે, પણ કોઇપણ પક્ષે સરકાર બનાવવાનો દાવો નથી કર્યો.



ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલે હાલની સ્થિતિને જોઇને એડવૉકેટ જનરલ આશુતોષ કુંભકોણી સાથે વાતચીત કરી, અને રાજ્યની સ્થિતિ પર સલાહ લીધી હતી. કોઇપણ પક્ષે સરકાર બનાવવાનો દાવો નથી કર્યો, તેના પાછળ બહુમતીનો આંકડો છે, કેમકે કોઇની પાસે બહુમતી નથી.



રિપોર્ટ પ્રમાણે, બીજેપી સાથે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે આજે શિવસેના પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ઉદ્વવ ઠાકરે ધારાસભ્યોને સંબોધિત કરશે. સુત્રો અનુસાર માહિતી છે કે પાર્ટી તોડ-જોડની રાજનીતિથી બચવા માટે આજે બેઠક બાદ શિવસેનાના ધારાસભ્યોને દક્ષિણ મુંબઇની એક ફાઇવ સ્ટાર હૉટલમાં રોકી શકે છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી ચૂકી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી છે. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી રહી છે.



શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.