Womens Football World Cup 2023: આજથી રમતગમતના ફેન્સ માટે ડબલ ડૉઝ મળી રહ્યો છે. ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ 2023 આજથી શરૂ થયો છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસની 9મી એડિશન છે અને પ્રથમવાર તે બે દેશો દ્વારા એકસાથે યોજાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આખા મહિના માટે મહિલા ફૂટબૉલ વર્લ્ડકપનું આયોજન કરશે. 20 ઓગસ્ટે ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ સિડનીના ઓલિમ્પિક ગ્રાઉન્ડમાં રમાશે. આ વખતે વર્લ્ડકપમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને નોર્વે વચ્ચે રમાશે.


આ મેચ ઉપરાંત પ્રથમ દિવસની બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે સિડનીમાં રમાશે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે, જેમાં ઓછામાં ઓછા 50 હજાર દર્શકોની હાજર રહી શકે છે. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ એકપણ વાર મહિલા વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી. આ વર્ષે પણ તેને રમાયેલી 9માંથી 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


પહેલીવાર લઇ રહી છે 32 ટીમો ભાગ, પ્રાઇસ મનીમાં ત્રણ ગણો વધારો - 
મહિલા ફૂટબૉલ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર 32 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં પ્રથમ આયરલેન્ડની ટીમ રમતી જોવા મળશે. આ ટીમોને 4ના 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગૃપની ટોપ-2 ટીમ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરશે, જ્યાંથી નૉકઆઉટ મેચો રમાશે. મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ 2023માં કુલ 64 મેચો 9 સ્ટેડિયમમાં રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, પર્થ, બ્રિસ્બેન અને એડિલેડ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ, વેલિંગ્ટન, ડ્યૂનેડિન અને હેમિલ્ટનમાં મેચો રમાશે.


આ વખતે મહિલા વર્લ્ડકપનો ખિતાબ જીતનાર ટીમને ગઇ વખત કરતા 3 ગણી વધુ ઈનામી રકમ મળશે. આ વખતે વર્લ્ડકપ ટ્રૉફી જીતનારી ટીમને લગભગ 86 કરોડ રૂપિયા મળશે. વળી, વર્ષ 2019માં ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 30 મિલિયન ડૉલર હતી, જે આ વખતે 110 મિલિયન ડૉલરની નજીક પહોંચી ગઇ છે.