Women's Junior Asia Cup 2023 India vs South Korea: ભારતની જુનિયર મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. તેણે પ્રથમ વખત મહિલા જુનિયર હોકી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. ભારત તરફથી અનુ અને નીલમે ગોલ કર્યા હતા. જ્યારે કોરિયા તરફથી એકમાત્ર ગોલ સિઓ યોને કર્યો હતો. આ  મુકાબલના પ્રથમ ક્વાર્ટરમાં એક પણ ગોલ થઈ શક્યો નહોતો. પરંતુ આ પછી ભારતે 22મી મિનિટે સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે અનુએ પેનલ્ટી કોર્નરથી ગોલ ફટકાર્યો હતો.  અનુએ ગોલકીપરની ડાબી બાજુથી ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દિધુ હતું. જો કે  પાર્ક સેઓ યોનના ગોલને કારણે ત્રણ મિનિટ બાદ દક્ષિણ કોરિયાએ 1-1થી બરાબરી કરી લીધી હતી.


નીલમે 41મી મિનિટે દક્ષિણ કોરિયાના ગોલકીપરની જમણી બાજુથી ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યું, જે નિર્ણાયક સ્કોર સાબિત થયો. આ પછી ભારતીય ટીમે અંતિમ ક્વાર્ટરમાં પોતાની લીડ જાળવી રાખીને જીત મેળવી હતી. દક્ષિણ કોરિયાને પેનલ્ટી કોર્નરના રૂપમાં ગોલ કરવાની ઘણી તકો મળી પરંતુ ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. અગાઉ  મહિલા જુનિયર એશિયા કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2012માં હતું જ્યારે ટીમ બેંગકોકમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ચીન સામે 2-5થી હારનો સામનો થયો હતો.


મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી. ટીમને પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ભારતીય ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી. જોકે, દક્ષિણ કોરિયાએ વળતો પ્રહારમાં ફરી લય મેળવી હતી અને બોલને લાંબા સમય સુધી પોતાના કબજામાં રાખ્યો હતો. કોરિયાને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો પરંતુ નીલમે છેલ્લી ક્ષણોમાં બોલને ગોલમાં જતો અટકાવ્યો હતો. બંને ટીમોએ આક્રમક અભિગમ અપનાવ્યો હોવા છતાં પ્રથમ ક્વાર્ટરમાં ગોલ ન થઈ શક્યો. 


દક્ષિણ કોરિયાએ બીજા ક્વાર્ટરમાં પણ આક્રમક અભિગમ અપનાવીને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. કોરિયાને કેટલાક પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ટીમ ભારતના મજબૂત  કિલ્લાને ભેદવામાં નિષ્ફળ રહી. ત્યાર બાદ અનુએ પેનલ્ટી સ્ટ્રોકને કન્વર્ટ કરીને ભારતને લીડ અપાવી હતી.   ઇન્ટરવલ સુધી સ્કોર 1-1 રહ્યો હતો. બીજા હાફમાં ભારતે વળતો હુમલો કરવાની વ્યૂહરચના અપનાવી અને ટીમને તેનો ફાયદો પણ મળ્યો જ્યારે નીલમે પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કરીને સ્કોર 2-1 કરી દીધો. આ પછી ભારતે ડિફેન્સ પર વધુ ધ્યાન આપ્યું અને લીડ જાળવી રાખીને જીત નોંધાવી હતી.


હોકી ઈન્ડિયાએ ખિતાબ વિજેતા ટીમના દરેક ખેલાડીને રૂ. 2 લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી જ્યારે સહાયક સ્ટાફના દરેક સભ્યને રૂ. 1 લાખ રુપિયા મળશે.  ભારત ટુર્નામેન્ટમાં અજેય રહ્યું હતું અને આ વર્ષે ચિલીમાં યોજાનાર મહિલા જુનિયર વર્લ્ડ કપ 2023માં પણ જગ્યા બનાવી હતી.