ભારતીય ક્રિકેટ ટીમને અંડર-19 એશિયા કપ 2024ની ફાઇનલમાં બાંગ્લાદેશના હાથે 59 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ થોડા જ કલાકોમાં ભારતે મહિલા જૂનિયર એશિયા કપ 2024માં આ હારનો બદલો લઈ લીધો છે. મહિલા જૂનિયર એશિયા કપ 2024માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં ભારતની જૂનિયર મહિલા હોકી ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો અને બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવ્યું હતું.






ભારતે બાંગ્લાદેશને 13-1થી હરાવ્યું હતું


મહિલા જૂનિયર એશિયા કપની પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીઓ તરફથી શાનદાર રમત જોવા મળી હતી. ભારત તરફથી મુમતાઝ, કનિકા, દીપિકા, મનીષા, બ્યૂટી ડુંગ ડુંગ અને વાઈસ-કેપ્ટન સાક્ષી રાણાએ ગોલ કર્યા હતા. સમગ્ર મેચમાં બાંગ્લાદેશ તરફથી માત્ર 1 ગોલ થયો હતો જે ઓરપિતા પાલે કર્યો હતો. તેણે આ એકમાત્ર ગોલ મેચની 12મી મિનિટે કર્યો હતો. બીજી તરફ ભારતીય ટીમે મેચના ચારેય ક્વાર્ટરમાં ગોલ કર્યા હતા.






ભારતની જૂનિયર મહિલા હોકી ટીમે આ મેચના પ્રથમ ક્વાર્ટરમાં કુલ 3 ગોલ કર્યા હતા. આ પછી બીજા ક્વાર્ટરમાં તેની તરફથી બે ગોલ જોવા મળ્યા હતા. હાફ ટાઈમ બાદ પણ ભારતીય ટીમનો દબદબો યથાવ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં કુલ 3 ગોલ કર્યા હતા. મેચના છેલ્લા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ધમાલ મચાવી દીધી અને 5 ગોલ કર્યા હતા.


આ મેચમાં ભારત માટે મુમતાઝ ખાને 4 ગોલ કર્યા હતા. તેણે મેચની 27મી, 32મી, 53મી અને 58મી મિનિટમાં ગોલ કર્યા હતા. જ્યારે કનિકા સિવાચ અને દીપિકાએ ગોલની હેટ્રિક ફટકારી હતી. કનિકાએ 12મી, 51મી, 52મી મિનિટમાં ગોલ કર્યા હતા. બીજી તરફ દીપિકાએ 7મી, 20મી અને 55મી મિનિટમાં ગોલ કરીને હેટ્રિક પૂરી કરી હતી. આ સિવાય મનીષા, બ્યૂટી ડુંગ ડુંગ અને વાઈસ કેપ્ટન સાક્ષી રાણાએ 1-1 ગોલ કર્યો હતો. હવે ભારતની જૂનિયર મહિલા હોકી ટીમ તેની આગામી મેચ સોમવારે મલેશિયા સામે રમશે.


U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ