Nikhat Zareen: Nikhat Zareen: ભારતીય બોક્સરોએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય બોક્સર નિખત ઝરીને તેની અંતિમ મેચ જીતી લીધી છે. આ રીતે અત્યાર સુધીમાં 3 ભારતીય બોક્સરોએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. નિખત ઝરીન પહેલા નીતુ ઘંઘાસ અને સ્વિટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ રીતે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે.
 
નિખત ઝરીને  વિયેતનામની ન્યૂગેન થી તામને હરાવી



ભારતીય સ્ટાર નિખત ઝરીને 48-50 કિગ્રા વજન વર્ગમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય બોક્સર સામે વિયેતનામની ન્યૂગેનથી તામ હતી, પરંતુ તે ભારતીય દિગ્ગજ ખેલાડી સામે ટકી શકી નહી. પ્રથમ રાઉન્ડમાં નિખત વિરોધી બોક્સરને કોઈ તક આપી ન હતી. તેણે પહેલા રાઉન્ડમાં જ 5-0થી લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચેલા વિયેતનામના બોક્સરે શાનદાર વાપસી કરી હતી. પરંતુ, નિખતે તક મળતાં જ ફરી શાનદાર રમત રમી, જોકે, બીજા રાઉન્ડમાં વિયેતનામના બોક્સરે 3-2થી જીત મેળવી હતી.


નિખત ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો


જણાવી દઈએ કે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા શનિવારે નીતુ ઘંઘાસ (45-48 કિગ્રા) અને સ્વિટી બૂરા (75-81 કિગ્રા)એ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નિખત ઝરીનનો આ બીજો ગોલ્ડ મેડલ છે. ગયા વર્ષે, નિખત ઝરીને વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


સ્વિટી બૂરાએ ચીનની બોક્સરને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ 


મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસ બાદ  સ્વિટી  બૂરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.  સ્વિટી બૂરાએ 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઈનલ મેચમાં ચીનની લીના વાંગને હરાવી હતી.  


નીતુ ઘાંઘસે રચ્યો ઈતિહાસ


ભારતની દીકરીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કમાલ કરી બતાવી હતી.  તેણે મંગોલિયાના લુત્સાઈખાનને રોમાંચક મેચમાં હરાવીને દેશને ગોલ્ડ અપાવ્યો છે. નીતુની આ જીત પર આખું ભારત ગર્વ અનુંભવી રહ્યું છે. હાલ હરિયાણાની 22 વર્ષની નીતુ ઘાંઘસે સોશિયલ મીડિયા પર ચારેકોર છવાઈ ગઈ હતી. આખો દેશ પોતાની આ દીકરી પર ગર્વ અનુભવી રહ્યો છે.