ભારતની દીકરીઓએ વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023 માં ઇતિહાસ રચ્યો છે. તીરંદાજીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતીય તીરંદાજ દીકરીઓએ દેશનો ધ્વજ લહેરાવ્યો હતો. પરનીત કૌર, અદિતિ ગોપીચંદ સ્વામી અને જ્યોતિ સુરેશા વેન્નમની મહિલા ટીમે બર્લિનમાં ફાઇનલમાં ટોચની ક્રમાંકિત મેક્સિકોને 235-229થી હરાવ્યા હતા. આ રીતે ભારતે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પીએમ મોદીએ પણ આ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે શુક્રવારે બર્લિન (જર્મની)માં વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોઈપણ કેટેગરીમાં ભારતનો આ પહેલો ગોલ્ડ હતો. ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં મેક્સિકન ટીમના ડૈફને ક્વિંટેરો, એના સોફિયા હર્નાન્ડેઝ ઝિઓન અને એન્ડ્રીયા બેસેરાને 235-229થી પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં બીજી ક્રમાંકિત ભારતીય છોકરીઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલંબિયાને 220-216થી હરાવ્યું હતું.
ઓલિમ્પિક ડોટ કોમ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે પ્રથમ રાઉન્ડમાં બાય મેળવ્યા બાદ અનુક્રમે ક્વાર્ટર ફાઈનલ અને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેઈ અને તુર્કીને હરાવ્યા હતા. બર્લિનમાં આ ઇવેન્ટ પહેલા ભારતે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં 11 મેડલ જીત્યા હતા, જેમાં નવ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
2017 અને 2021માં સિલ્વર અને 2019માં બ્રોન્ઝ જીત્યા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતીય મહિલા ટીમ માટે તે સતત ચોથો મેડલ હતો. જ્યોતિ વેન્નમ ચારેય મેડલ વિજેતા ટીમોનો ભાગ રહી છે. કમ્પાઉન્ડ મેન્સ ટીમ ઈવેન્ટમાં અભિષેક વર્મા, ઓજસ દેવતાલે અને પ્રથમેશ જાવકર નેધરલેન્ડ સામે 230-235થી હારીને ક્વાર્ટર ફાઇનલમાં બહાર ફેંકાઈ ગયા હતા.
મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ઓજસ દેવતાલે અને જ્યોતિ સુરેખા વેન્નમ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકા સામે 154-153થી હારી ગયા હતા. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામી શનિવારે સિંગલ વિમેન્સ કમ્પાઉન્ડ ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે, જ્યારે ઓજસ દેવતલે મેન્સ કેટેગરીમાં ટોચના આઠમાં એકમાત્ર ભારતીય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશનું નામ રોશન કરનારા આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, "ભારત માટે આ ગર્વની ક્ષણ છે, અમારી અસાધારણ કમ્પાઉન્ડ મહિલા ટીમે બર્લિનમાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. અમારા ચેમ્પિયનને અભિનંદન! તેમની મહેનત અને સમર્પણને કારણે ઉત્તમ પરિણામ મળ્યું છે