World Athletics Championship:  નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.






આ ટાઈટલ જીત્યા બાદ આ સ્ટાર ખેલાડીએ તિરંગા પર ઓટોગ્રાફ ન આપીને કરોડો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા. વાસ્તવમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેની એક હંગેરીની મહિલા ફેન તિરંગા પર ઓટોગ્રાફ લેવા માંગતી હતી પરંતુ નીરજે તેની માંગણીનો અસ્વીકાર કરી તિરંગા પર ઓટોગ્રાફ આપવાની ના પાડી દીધી હતી. આખરે આ વર્લ્ડ ચેમ્પિયન એથ્લેટે મહિલાની ટી-શર્ટની સ્લીવ પર ઓટોગ્રાફ આપ્યો હતો.






આ ઘટનાની જાણકારી ધરાવનારા એક પત્રકારે ટ્વીટ કર્યું હતું કે એક ખૂબ જ સુંદર હંગેરિયન મહિલા ( તે ખૂબ જ સારુ હિન્દી બોલતી હતી) નીરજ ચોપરાનો ઓટોગ્રાફ લેવા માંગતી હતી. નીરજે હા પાડી. બાદમાં નીરજને ખ્યાલ આવ્યો કે મહિલા તિરંગા પર ઓટોગ્રાફ લેવા માંગે છે. જેના કારણે નીરજે તેને કહ્યું કે તે આમ કરી શકતો નથી. આખરે નીરજે મહિલાની ટી-શર્ટની સ્લીવ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. જેનાથી મહિલા ખૂબ ખુશ થઇ હતી.






આ સિવાય નીરજે પાકિસ્તાની એથ્લેટ અશરફ નદીમ સાથે ફોટો પડાવીને પણ ઘણી ચર્ચા જગાવી હતી. વાસ્તવમાં, નીરજ ચોપરા ચેક રિપબ્લિકના એથ્લેટ યાકુબ વાલેશ સાથે તિરંગા સાથે ફોટો ક્લિક કરતો જોવા મળે છે. બંને ખેલાડીઓ પાસે પોતપોતાના દેશનો ધ્વજ હતો. ત્યારબાદ નીરજની નજર અરશદ પર ગઈ અને તેણે પાકિસ્તાની ખેલાડીને ફોટો ક્લિક કરવા માટે બોલાવ્યો હતો.






અરશદ નદીમ પણ આ ફાઈનલ ઈવેન્ટનો ભાગ હતો, તેણે 87.82 મીટરનું દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ કબજે કર્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાલેશે 86.67 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.