World Athletics Championship:  નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બની ગયો છે. વર્લ્ડ રેન્કિંગમાં પણ તેનું સ્થાન નંબર વન પર જ રહેશે. છેલ્લા 3 મહિનાથી નીરજ ચોપરા પ્રથમ સ્થાન પર છે. ફાઈનલ મેચના પ્રથમ પ્રયાસમાં નીરજ ફાઉલ થયો હતો. બીજા રાઉન્ડમાં 88.17 મીટર થ્રો કરીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા તેના ગામના લોકો અને પરિવારના સભ્યોએ તાળીઓ પાડીને અને સીટી વગાડીને ઉજવણી કરી હતી. પાકિસ્તાનના ખેલાડી નદીમે પણ નીરજને અભિનંદન પાઠવ્યા હતા.






મેચ જીત્યા બાદ નીરજના કાકા ભીમ ચોપરાએ કહ્યું કે દેશની પ્રાર્થનાઓથી દેશનું સપનું પૂરું થયું છે. આ ગૌરવની ક્ષણ છે. દેશ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.


માતાએ કહ્યું હતું- દીકરો આ વખતે ફરી ગોલ્ડ જીતશે


બુડાપેસ્ટ હંગેરીમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ગોલ્ડ મેડલ જીતે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી. નીરજ ચોપરાના પિતા સતીશ કુમારે કહ્યું હતું કે સમગ્ર દેશના આશીર્વાદ અને પ્રાર્થના નીરજની સાથે છે. તેણે નીરજની મેચને લઈને કોઈ પણ પ્રકારની મોટી પૂજા કે વિધિ કરી નથી. તેમણે કહ્યું કે તેણે નીરજ સાથે વાત કરી હતી અને તેમને પુરી આશા હતી. મેચ પહેલા નીરજે કહ્યું હતું કે તેણે સારી તૈયારી કરી છે. માતા સરોજ દેવીએ કહ્યું હતું કે દીકરો આ વખતે ફરીથી ગોલ્ડ જીતશે, તેમને ખાતરી છે. નીરજે માતાની ઇચ્છાને પૂર્ણ કરી હતી.






નીરજના કાકા ભીમ ચોપરાએ કહ્યું હતું કે ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રોથી અપેક્ષા છે કે નીરજ આ વખતે તેનો શ્રેષ્ઠ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. નીરજના ગામ ખંડરામાં તેના પ્રદર્શનને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ પહેલા જ ગામલોકોનું માનવું હતું કે આ વખતે ફરીથી ગામનો પુત્ર ભાલા ફેંકમાં ગોલ્ડ જીતશે. નીરજ ગોલ્ડ મેડલ જીતતાની સાથે જ ગામમાં પણ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.