ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા (Neeraj Chopra) એ અમેરિકાના યુજેનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ધમાલ મચાવી દીધી છે. તેણે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય કર્યું છે.






ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ખેલાડીઓ સામેલ થયા હતા.






નીરજે કારકિર્દીનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો


આ બધા વચ્ચે ફાઈનલ માટે જંગ જામ્યો હતો. બધાને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવને પણ ગ્રુપ બીમાં સામેલ કરાયો હતો.


શનિવારે ગોલ્ડ માટે જંગ જામશે


આ મેન્સ ઈવેન્ટમાં નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે શનિવારે (23 જુલાઈ) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જાકુબ વાદલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો.