નવી દિલ્હીઃ વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા ભારતના દીપક પૂનિયાએ પુરુષોના 86 કિગ્રા ફ્રીસ્ટાઇલ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન દીપક ઇજાના કારણે કઝાકિસ્તાનના નૂર-સુલતાનમાં યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશીપની ફાઇનલમાંથી ખસી ગયો હતો જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.


યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્ધારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં દીપક પૂનિયા 82 અંકો સાથે ટોચના સ્થાન પર પહોચ્યો હતો. તેના વર્લ્ડ ચેમ્પિયન યાજદાનીથી ચાર પોઇન્ટ વધુ છે. આ વચ્ચે વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા બજરંગ પૂનિયાને એક સ્થાનનું નુકસાન થયું છે. તે 65 કિગ્રા વર્ગમાં 63 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. જ્યારે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર રશિયાના ગાજદિમૂરાદ રાશિદાવ 72 પોઇન્ટ સાથે ટોચના સ્થાન પર પહોંચી ગયો છે.

રવિ દહિયા 57 કિગ્રા વર્ગમાં ટોચના પાંચમાં પહોંચ્યો છે. જ્યારે રાહુલ અવારે 61 કિગ્રામ વર્ગમા બીજું સ્થાન હાંસલ કર્યું છે. બંન્નેએ વિશ્વ ચેમ્પિયનશીપમાં પોત-પોતાના વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલાઓમાં એશિયાઇ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા વિનેશ ફોગાટ ચાર સ્થાનના જમ્પ સાથે બીજા ક્રમ પર પહોંચી ગઇ છે.