નવી દિલ્હીઃ 1999, 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડ કપ જીતાડનાર દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ 2019 માટે પોતાની ફેવરીટ ટીમની પસંદગી કરી છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે મંગળવારે કહ્યું કે, આગમી ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જીત માટે પ્રબળ દાવેદાર છે કારણ કે નોકાઉટ મેચમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સારો નથી રહ્યો.



ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર છે અને આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા ટીમે સતત 11 દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં જીત નોંધાવી છે.

ગિલક્રિસ્ટે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની પ્રબળ દાવેદાર ગણાવતા કહ્યું કે, કાગળો પર ઓસ્ટ્રેલિયાની ટીમ અન્ય ટીમ જેટલી જ મજબૂત છે. ટીમમાં મોટા ખેલાડીઓની વાપસી થઈ છે અને વનડેમાં તે ફોર્મમાં આવી ગયા છે.



તેમણે કહ્યું કે, સ્પષ્ટ છે કે તેઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. અમારી પાસે 12માંથી 5 વર્લ્ડ કપ ખિતાબ છે, એવામાં અમે વધુ એક ખિતાબ જીતી શકીએ છીએ.