નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું કહેવું છે કે, ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રમવું હાલમાં લગભગ અશક્ય જેવું છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી સૌથી વધારે 17 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી રેટ 4.48 અથવા તેનાથી વધારે વિકેટ લેનાર બોલરોમાં સૌથી સારી છે અને 8 મેચમાંથી દરેક મેચમાં તેણે પોતાની બોલિંગની છાપ છોડી છે.



મંગળવારે ભારત સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. વિટોરીએ જણાવ્યું કે, બુમરાહ જ ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટું જોખમ છે. તેની પાસે ટ્રેન્ટ બાઉલ્ટની જેમ જ બોલિંગમાં વિવિધતા છે.



વિટોરીએ કહ્યું કે, જસપ્રીત બુમરાહને રમવું હાલમાં અશક્ય જેવું છે. એવામાં જ્યારે ન્યૂઝીલેન્ડને ભારત સામે સેમી ફાઈનલમાં રમવાનું છે, તેને સૌથી વધારે જોખમ બુમરાહથી જ છે. બુમરાહ સામે આક્રમક રીતે રમવું પડશે, નહીં તો તે ટીમ પર હાવી થઈ જશે. વિટોરીએ કહ્યું કે, બુમરાહની જેમ જ બાઉલ્ટ પણ ભારત માટે ખતરો સાબિત થઈ શકે છે કારણ તેની બોલિંગમાં પણ ઘણી વિવિધતા છે.