ઈંગ્લેન્ડે ખૂબ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડને પછાડીને પહેલીવાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 જીત્યો છે. સુપર ઓવર સુધી ચાલેલા મુકાબલમાં પણ બંને ટીમો બરાબર રહી પરંતુ ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં વધુ ફોર-સિક્સર મારી અને એવામાં નિર્ણય તેમના પક્ષમાં ગયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 241 રનનો સ્કોર કર્યો હતો જોકે તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી.

બેન સ્ટોક્સ (84)એ એક છેડો સાચવી રાખ્યો હતો અને છેલ્લા બોલે મેચ ટાઈ થઈ ગઈ હતી. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં ગઈ હતી જ્યાં ઈંગ્લેન્ડે પહેલા રમતાં 15 રન કર્યાં હતાં. મજેદાર વાત એ રહી કે ન્યૂઝીલેન્ડની ટીમે પણ 15 રન જ કર્યા હતાં ત્યારે મેચ ફરી ટાઈ પડી હતી પરંતુ વધુ ફોર-સિક્સર મારવાના કારણે ઈંગ્લેન્ડનો પક્ષ ભારે રહ્યો હતો અને તે પહેલીવાર ક્રિકેટ ચેમ્પિયન બની ગયું હતું.

સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે પહેલા બોલ પર સ્ટોક્સે 3 રન લીધા, બીજા બોલે બટલરે 1 રન લીધો, ત્રીજા બોલે સ્ટોક્સે ચોગ્ગો ફટકાર્યો, ચોથા બોલે સ્ટોક્સે 1 રન લીધો, પાંચમા બોલે બટલરે 2 રન લીધા અને છેલ્લા બોલે બટલરે ચોગ્ગો ફટકાર્યો હતો.

ન્યુઝીલેન્ડની ટીમ સુપર ઓવરમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી ત્યારે પ્રથમ બોલ વાઈડ પડતાં એક રન મળ્યો હતો, પહેલા બોલે નીશમે 2 રન લીધા, બીજા બોલે નીશમે છગ્ગો ફટકાર્યો, ત્રીજા બોલે નીશમે 2 રન લીધા, ચોથા બોલે નીશમે રન લીધા, પાંચમા બોલે નીશમે 1 રન લીધો અને છેલ્લા બોલે ગુપ્ટિલે 1 રન લીધો હતો જેના કારણે સુપર ઓવરમાં પણ મેચ ફરી ટાઈ પડી હતી. જોકે આ બે ઓવરમાં બન્નેમાંથી કઈ ટીમ સૌથી વધારે બાઉન્ડ્રી મારી હશે તે ટીમ વિજેતા થશે જેમાં ઈંગ્લેન્ડની ટીમ વિજેતા થઈ હતી.