નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામે હારની રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે. જોકે હવે આ વર્લ્ડકપની હારને ભૂલવી પડશે અને 2023ની તૈયારી કરવાની રહેશે. પરંતુ 2023નો વર્લ્ડકપ 2019 કરતાં પણ ભારત માટે વધારે મુશ્કેલ હશે.



આવું એટલા માટે છે કારણ કે એક અંદાજ મુજબ 2023ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની નહીં હોય અને બેટ્સમેનમાં જે દિગ્ગજ છે તે તેમના કારકિર્દીના અંતિમ તબક્કામાં હશે. ટોપ-3 દિગ્ગજ બેટ્સમેન એટલે કે રોહિત શર્મા અને શિખર ધવન તો 36 વર્ષ પાર કરી ચૂક્યા હશે જ્યારે વિરાટ કોહલી પણ 35ની ઉંમર સુધી પહોંચી જશે.



આ ઉંમરમાં ક્ષમતામાં ઘટાડો થતો હોય છે. યુવરાજ સિંહ અને વીરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓમાં આપણે આ મામલો જોઈ ચૂક્યા છીએ. તેથી આ પરિસ્થિતિઓમાં ત્રણે ખેલાડીઓ 4 વર્ષ પછી પણ આવી રીતે પ્રદર્શન કરશે એવી શક્યતાઓ ઓછી છે.

નંબર-4ની સમસ્યા તો આજે પણ યથાવત જ છે અને આગામી 1-2 વર્ષ સુધી પણ રહે તેવી સંભાવના છે. કારણ કે ટીમ ઇન્ડિયા આ ક્રમ પર દરેક બેટ્સમેનને ઉતારી ચૂકી છે. આ ખેલાડીઓમાં અંબાતિ રાયડૂ, રિષભ પંત, કેદાર જાધવ, લોકેશ રાહુલ, વિજય શંકર, સુરેશ રૈના, મનીષ પાંડે સામેલ છે. પરંતું આ ખેલાડીઓ નંબર 4ની ચિંતા દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે.



બીજો સૌથી મોટો સવાલ એ છે કે 2023ના વર્લ્ડકપમાં ધોનીની જગ્યાએ કોણ હશે. હાલમાં ધોનીનું રિપ્લેસમેન્ટ શોધવું એક પડકારજનક છે. ઉપરાંત હાલ ટીમ ઇન્ડિયામાં વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન અને બોલર છે. પરંતુ 2023ના વર્લ્ડ કપમાં આ ખેલાડીઓના રહેવાની સંભાવનાઓ ઓછી છે. તેથી ટીમ ઇન્ડિયા માટે 2023નો વર્લ્ડ કપ જીતવો ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.